

*આહવાના રાણી ફળિયામાં સેવા સપ્તાહ અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો: ૩૦૦થી વધુ પરિવારોને મળ્યો આરોગ્યનો લાભ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
આહવા ડાંગ જિલ્લાના આહવા સ્થિત રાણી ફળિયા ખાતે સેવા સપ્તાહના ભાગરૂપે એક વિશેષ જનરલ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શ્રી છત્રપતિ શિવાજી પ્રભાત શાખા અને ડાંગ મિત્રના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનોએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
નિઃશુલ્ક તપાસ અને દવા વિતરણ
મેડિકલ કેમ્પ દરમિયાન ડોક્ટરોની ટીમ દ્વારા ગ્રામજનોનું જનરલ સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરાયું હતું. તપાસ દરમિયાન કોઈ ગંભીર બીમારીના લક્ષણો જણાયા તેવા દર્દીઓને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ઘરઆંગણે આયુર્વેદિક દવાઓનું વિતરણ
આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી રાણી ફળિયાના આશરે ૩૦૦ જેટલા ઘરોમાં જઈને આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી અનેક પરિવારોને ઘરઆંગણે જ આરોગ્યલક્ષી સહાય ઉપલબ્ધ બની હતી.
આરોગ્ય જાગૃતિ અને લોકકલ્યાણ સેવા સપ્તાહ નિમિત્તે યોજાયેલા આ બંને જનઉપયોગી કાર્યક્રમોથી ગ્રામજનોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાઈ હતી અને જરૂરિયાતમંદ લોકોને સત્વરે આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ હતી.