

*વરસાદી ઋતુમાં સોળ શણગાર સજતું ડાંગ: પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો ‘કળબડુંગર’*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ આહવ*
કુદરતે મુક્ત મને સૌંદર્ય વેર્યું છે તેવા ડાંગ જિલ્લાએ ચોમાસામાં નવોઢાની જેમ સોળ શણગાર ધારણ કર્યા છે. વાંસદાથી ડાંગમાં પ્રવેશતા જ હર્યાભર્યા ખેતરો, નાના-મોટા જળધોધ અને લીલીછમ વનરાજી પ્રકૃતિપ્રેમીઓનું મન મોહી લે છે.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના આમસરવલણ ગામની સીમમાં સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં આવેલો ‘કળબડુંગર’ હાલ ટ્રેકર્સ, બાઇકર્સ, કેમ્પિંગ કરનારાઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. ચોમાસામાં આ ડુંગરની ટોચ પરથી આસપાસની ખીણો, હરિયાળી અને વાદળોથી ઢંકાયેલા સહ્યાદ્રિના મનોહર દૃશ્યો અદ્ભુત નજારો રજૂ કરે છે.
આ ડુંગર પર સ્થાનિક આસ્થાનું પ્રતીક એવું માતાજીનું સ્થાનક આવેલું છે, જ્યાં નવરાત્રી અને દિવાળીએ વિશેષ પૂજાવિધિ સાથે મેળો ભરાય છે. અહીં પહોંચવા માટે આમસરવલણ ગામથી સ્થાનિક પગદંડી અને કાચા-પાકા માર્ગો દ્વારા ટ્રેકિંગ કરીને ડુંગરની ટોચે જવું પડે છે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય: ચોમાસુ (જૂનથી સપ્ટેમ્બર) અને શિયાળો (ઓક્ટોબરથી ફેબ્રુઆરી).
ખાસ નોંધ: ડાંગ જિલ્લો ‘નો પ્લાસ્ટિક ઝોન’ છે, તેથી મુલાકાત દરમિયાન પર્યાવરણની જાળવણી વિશે ખાસ ધ્યાન રાખવું.