

*ડાંગ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સઘન સ્વચ્છતા અભિયાન મહાઝુંબેશનો પ્રારંભ :*
–
*જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ :*
–
*ખુલ્લામાં કચરો સળગાવનાર તેમજ કચરો ફેકનાર સામે રૂપિયા ૫૦૦ નો દંડ :*
–
સંગીતા ડી ભોંયે.: આહવા: તા :૧૨:
તાજેતરમાં જ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાવવા તેમજ જાણકારી આપવા સૂચના આપી હતી
જે અનવ્યે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામ પંચાયતોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેર સ્થળો, માર્ગો, શાળા, આંગણવાડી, ગ્રામ પંચાયત પરિસર વિગેરે તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાય તે માટે સ્વચ્છતા અભિયાન મહાઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત ગીરીમથક સાપુતારા ખાતે પણ સઘન ૫ દિવસ સુધી સ્વચ્છતા હાથ ધરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં સ્થાનિક લોકો તથા પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ દ્વારા પ્લાસ્ટિક, ઘન કચરો (સુકો/ભીનો) ખુલ્લામાં ફેંકીને/સળગાવીને હવા તથા જમીનમાં પ્રદુષણ ફેલાવવામાં આવે છે. જે આસપાસના માનવજાત, વન્યપ્રાણીઓ અને પર્યાવરણને હાનિ પહોંચાડે છે જેથી પર્યાવરણીય સંતુલન બગડે છે. પ્લાસ્ટિકના પ્રદૂષણ બાબતે અસરકારક પગલાં લઈ શકાય અને પ્લાસ્ટિકના પ્રદૂષણનું પણ નિયંત્રણ થઈ શકે અને વન્ય જીવ તથા પર્યાવરણને થતું નુકશાન અટકાવી શકાય તે હેતુથી સમગ્ર ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્લાસ્ટિક તથા ઘન કચરો ખુલ્લામાં ફેલાવતા થતા હવા તથા જમીનમાં પ્રદૂષણ અટકાવવા બાબતે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સાથે જ કચરો અને પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવા બાબતે કાર્યવાહી કરવા પણ ચૂચના આપવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં કચરો સળગાવનાર સામે તેમજ ખુલ્લામાં કચરો ફેકનાર સામે ૫૦૦ રૂપિયા દંડની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. જે અંગે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં રીક્ષાઓ ફેરવી આ બાબતેનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
–