

*રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આહવા,વઘઇ અને સુબીર તાલકાના જળ સંચયના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો :*
–
*આહવા,વઘઇ અને સુબીર તાલુકામાં રૂ.૪૨.૭૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ કુલ ૭ વિયરનો લોકાર્પણ અને ઘોઘલી ઘાટમાં રૂ. ૫૭.૪૭ કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ ૫ વિયરોનું લોકાર્પણ કરાયું :*
–
*ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૮, વઘઇ તાલુકામાં ૧૨, અને સુબીર તાલુકામાં ૮ એમ કુલ ૨૮ ચેકડેમો રૂ.૨૯.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમના કામોનું ખાતમુહર્ત કરાયું :*
–
*ડાંગની નદીઓ ઉપર મજબૂત ડેમ બનાવાશે, આ કામગીરીમાં એક પણ ઇંચ જમીન નહિ જાય તેવા ડેમ બનાવી ખેડૂતોને સુખી કરવાનું સરકારનું વિઝન છે:* મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
–
*ડેમના નામે ભ્રમિત કરતાં લોકોને જાકારો આપવા મંત્રીશ્રી નરેશભાઈ પટેલનું આહવાન :*
–
ઝાકિર ઝંકાર: આહવા: તા: ૧૩
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અને રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરાભાઈ ગામીત તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર હસ્તકના ડાંગ જિલ્લામાં જળસંચયના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ ઘોઘલી તેમજ સભાનો કાર્યક્રમ આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં રૂ.૪૨.૭૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ કુલ ૭ વિયરનો લોકાર્પણ અને ઘોઘલી ઘાટમાં રૂ. ૫૭.૪૭ કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ ૫ વિયરોનું લોકાર્પણ કરાયું હતુ. સાથે જ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૮, વઘઇ તાલુકામાં ૧૨, અને સુબીર તાલુકામાં ૮ એમ કુલ ૨૮ ચેકડેમો રૂ.૨૯.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમના કામોનું ખાતમુહર્ત કરાયું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ડાંગ જિલ્લામાં આખું વર્ષ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે. આ વિસ્તારને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે તેમજ ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે પાણી એકમાત્ર વિકલ્પ છે. ડાંગ જિલ્લામાં પાણી થકી સિંચાઈ અને ખેતીની સુવિધાઓથી ખેડૂતોને આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન છે.
પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા અંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ડાંગની નદીઓ ઉપર મજબૂત ડેમ બનાવાશે, આ કામગીરીમાં એક પણ ઇંચ જમીન નહિ જાય તેવા ડેમ બનાવી ખેડૂતોને સુખી કરવાનું વિઝન છે. ડેમ અને વિયરની ગુણવત્તાયુક્ત કામગીરી થશે જેથી આવનારી અનેક પેઢીઓ ઉપયોગ કરી શકશે. ભવિષ્યમાં આ વિસ્તારને ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ મળશે.
આ ઉપરાંત ડાંગ જિલ્લામાં સંપૂર્ણ પાણી સમસ્યા દૂર કરવાં માટે નાનાં નાનાં વિયર, ચેકડેમો બનાવવા જરૂરી છે. તેમ જણાવી મહાકાય ડેમો બનાવી લોકોને બેઘર કરવાં હોવા અંગેની અફવા તેમજ ડેમ લોકોને ભ્રમિત કરતાં લોકોને જાકારો આપવાં જણાવ્યું હતું. નાનાં વિયર અને સિંચાઈનાં ડેમો બનશે તો વહી જતું પાણીને અટકાવી શકાશે અને ઉનાળામાં પાણીની તકલીફ દૂર કરી શકાશે તેમ શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું.
આ પ્રંસગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ આદિવાસી વિસ્તારની સમસ્યાથી વાકેફ છે, તેઓએ વનબધું યોજનાની શરૂઆત કરી તેમના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સુજલામ સુફલામ, સૌની યોજના અને ઉદવહન સિંચાઈ યોજનાનું અમલીકરણ થયું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિંચાઈ યોજનાઓમાં છેલ્લા બે વર્ષમાં વાર્ષિક બજેટની સંખ્યામાં વધારો કર્યો છે. ડાંગ જિલ્લામાં ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિ કુટુંબોને સિંચાઇની સવલત પુરી પાડવા ચેકડેમ અને વિયર બનાવવાનું આયોજન કર્યું છે.
જે પૈકી આહવા તાલુકામાં ૩ વિયર રૂ.૧૮.૧૩ કરોડ, વઘઇ તાલુકામાં ૨ વિયર કુલ ૧૪.૦૯ કરોડ, તેમજ સુબીર તાલુકામાં ૨ વિયર કુલ ૧૦.૫૪ એમ કુલ ૭ વિયર જે ૪૨.૭૬ કરોડના ખર્ચે નિમાર્ણ થયેલ વિયરોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જ્યારે આજરોજ મંત્રીશ્રીએ આહવા તાલુકાના ઘોઘલી (શિવઘાટ), ઘોઘલી-૨, ઘોઘલી-૩, ઘોઘલી-૪, અને ઘોઘલી-૫ વિયર અક્રોસ ટ્રિબ્યુટરી ઓફ ખાપરી રીવર નિયર વિલેજ નિલસાકીયાના કન્સ્ટ્રક્શન માટે કુલ રૂ. ૫૭.૪૭ કરોડના ખર્ચે નિર્ણાણ થનાર કુલ ૫ વિયરોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આહવા તાલુકામાં ૮ ચેકડેમ જે રૂ.૭.૮૭ કરોડ, વઘઇ તાલુકામાં ૧૨ ચેકડેમ જે રૂ.૧૧.૯૨ કરોડ અને સુબીર તાલુકામાં ૮ ચેકડેમ જે રૂ.૧૦.૦૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમોનું ખાતમુહર્ત કરવામાં આવેલ છે. એકંદર કુલ ૪૦ ચેકડેમો અને વિયર જે રૂ.૧૩૦.૦૩ કરોડના કામોનું લાકાર્પણ ખાતમુહર્ત કરવામાં આવેલ છે.
જળ સંચયના આ કામો થી ખેડુતોને જમીનમાં સિંચાઇ માટે પાણી મળી રહેશે તેમજ પશુપાલન અને પીવા તથા ઘર વપરાશ માટે પાણીનો લાભ મળશે. આ કામોથી ડાંગ જિલ્લામાં હજારો હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇનો લાભો થશે. આ સાથે જ મંત્રીશ્રીએ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં કરવામાં આવેલ વિકાસકીય કામો અંગે વિગતે માહિતી આપી હતી.
રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, લોકોની માંગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ આધારિત ખેતી કરવાં, સાથે પશુપાલન અને પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવાં માટે આજરોજ ડાંગ જિલ્લામાં ચેકડેમ અને વિયરોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં આ ચેકડેમ અને વિયરના નિર્માણથી વરસાદી પાણીનું સરંક્ષણ થશે અને તેના કારણે ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે કૂવા તથા બોરવેલોમાં પાણીના તળ ઉપર આવશે. આ પગલાંથી ખેતી ઉત્પાદન વધશે, ખેડૂતોની આવકમાં વધારો થશે તથા પીવાના અને પશુપાલન માટે પાણી ઉપલબ્ધ થશે. સાથે જ ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોનો વિકાસ સાથે જિલ્લાના સર્વાંગી વિકાસ કરવાં માટે પ્રતિબધતા વ્યક્ત કરી હતી.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું. કે, ડાંગ જિલ્લામાં વાર્ષિક સો ઇંચ થી વધુ વરસાદ પડે છે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિના કારણે જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન અપ્રિલ અને મે મહિનામાં પાણીની અછત વર્તાય છે. હાલમાં વસ્તી વધારો સાથે પશુપાલન અને ખેતી વ્યવસાયના કારણે વધુ પાણીની જરૂરીયાત ઉભી થઇ છે. જે ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા મુખ્ય નદીઓ પર નાના ડેમો બનાવી પાણી સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે સંદર્ભે આજરોજ જિલ્લામાં ચેકડેમ અને વિયરોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરવામાં આવેલ છે. આ સાથે જ ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા નિવારણ તાપી આધારિત ૮૬૬ કરોડની યોજના પ્રગતિ હેઠળ છે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મુખ્ય ઈજનેર આર.એમ.પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જળ સંચય યોજના અંગેની દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી હતી ત્યારબાદ મંત્રીશ્રી દ્વારા વિકાસ કાર્યોની ઇ-તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડાંગમાં વહી જતાં પાણીને અટકાવી સિંચાઇ સુવિધામાં વધારો કરવાના ઉદેશ્ય સાથે આજરોજ મંત્રીશ્રીના હસ્તે ૭ વિયર જે કુલ રૂ.૪૨૭૫.૪૯ લાખ ખર્ચે તૈયર થયેલ વિયરનું લોકાર્પણ અને ચેકડેમ, વિયરના ખાતમુહર્તના કામો કુલ ૨૨ જે કુલ રૂ.૮૭૨૭ લાખના ખર્ચે ખાતમુહર્ત કરવામાં આવ્યું છે. આ ચેકડેમ અને વિયરોના નિર્માણ થી ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં વરસાદી પાણીનું સંરક્ષણ થશે અને ભૂગર્ભ જળ સ્તરમાં નોંઘપાત્ર વઘારો થશે પરિણામે પાણીના તળ ઉંચા આવશે.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા પંચાયત ખેતીવાડી અને સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી હરેશભાઇ બચ્છાવ, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લતાબેન કનવારે, સહિત તાલુકા જિલ્લાના સદસ્યશ્રીઓ, પૂજ્ય પી. પી. સ્વામીજી, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સહિતના પદાધિકરિશ્રીઓ તેમજ ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. વસાવા, ઉત્તર નાયબ વન સરંક્ષક શ્રી મુરારીલાલ મીણા, દક્ષિણ નાયબ વન સરંક્ષક શ્રી ધીરજ કુમાર, નિવાસી અધિક કલેકટર શ્રી એસ.ડી.તબીયાર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આબલિયા, ઉકાઈ વર્તુળ અધિક્ષક ઈજનેર શ્રી એ. આર. પટેલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઈ ખાંભૂએ કર્યું હતું.
–