

*એક જમાનામાં “અંધારિયા મૂલક” તરીકે ઓળખાતા “ડાંગ જિલ્લાના” રાજ અને રજવાડાની રસપ્રદ વાતો*
રિપોર્ટર: ઝાકિર ઝંકાર: આહવા ડાંગ: તા,૧૬
એક સમય એવો હતો જ્યારે ડાંગ જિલ્લોને ‘અંધારિયા ખંડ’ તરીકે ઓળખવામાં આવતો. ઘન જંગલો, સાતપુડા–સહ્યાદ્રી પર્વતમાળાની હરિયાળી અને વહેતી નદીઓથી સમૃદ્ધ આ પ્રદેશ કુદરતી સૌંદર્યથી ભરપૂર હતો. અહીં ભીલ જાતિના પાંચ રાજાઓ અને અનેક નાઈકો શાસન કરતા. તેઓ જંગલ અને જમીનને પ્રાણ કરતાં પણ વધુ પ્રેમ કરતા અને બહારની દખલ સહન કરતા નહોતા.
ઈ.સ. ૧૮૧૮ બાદ અંગ્રેજોએ ડાંગ પર કબજો જમાવવાનો પ્રયત્ન કર્યો. સંઘર્ષો થયા અને કેટલાક નાઈકોને ફાંસી આપવામાં આવી. અંતે ઈ.સ. ૧૮૪૧માં પુનામાં કરાર થયો અને ૧૮૪૨થી આહવામાં “ડાંગ દરબાર” ભરાઈ રાજાઓને જંગલ લીઝ બદલ વર્ષાસન ચૂકવવાનું શરૂ થયું.
ભારતની આઝાદી બાદ ૧૯૪૭માં ડાંગને જિલ્લાનું સ્થાન મળ્યું. ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની રચના સમયે ડાંગ ગુજરાતમાં સમાવેશ થયો. તે સમયે મુખ્યપ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતાએ ડાંગના આગેવાનોની માંગ સ્વીકારી સરકારી દેવું માફ કરવું અને વિકાસ માટે ડાંગ રિઝર્વ ફંડ રચવું.
આજે ડાંગ જિલ્લો વિકાસની દોડમાં આગળ વધી રહ્યો છે. રાજાઓનો પરંપરાગત સફેદ પહેરવેશ, પાઘડી અને સોના-ચાંદીના આભૂષણો તેમની શાન અને સ્વાભિમાનનું પ્રતિક હતા. ડાંગનો ઈતિહાસ શૌર્ય, સ્વાભિમાન અને સંસ્કૃતિનો અનમોલ વારસો છે.