
*પ્રકૃતિ શિબિર અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું માયાદેવી ખાતે સફળ આયોજન*
રિપોર્ટર: ઝાકિર ઝંકાર
આહવા
ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગૃત થાય તેમજ ભવિષ્યની કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળે તેવા ઉમદા હેતુથી માયાદેવીના રમણીય પરિસરમાં એક દિવસીય “પ્રકૃતિ શિબિર અને કારકિર્દી માર્ગદર્શન” કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશકુમાર ત્રિવેદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમમાં સરકારી મા. અને ઉ. મા. શાળા, ચિકાર; સ. મા. શાળા, ભેંસકાતરી; સ. મા. શાળા, ખાતળ; સ. ઉ. મા. શાળા, કાલીબેલ અને સ. મા. શાળા, સાજુપાડાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કાકદરા ગામના સરપંચ શ્રીમતી કલ્પનાબેન એમ. તુંબડા અને ઉપસરપંચ શ્રી નવીનભાઈ એમ. વળવી પણ હાજર રહ્યા હતા.
શિબિરની શરૂઆત પ્રકૃતિ તજજ્ઞ શ્રી પ્રણવભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને કુદરતની અનમોલ સંપત્તિ, વનસ્પતિ વિશ્વ અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને જૂથોમાં વહેંચી પ્રકૃતિમાંથી વિવિધ વસ્તુઓ શોધવાની રસપ્રદ પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ત્યારબાદ વાઇલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનના શ્રી હેમલભાઈ મહેતાએ વન્યજીવ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઝેરી અને બિન ઝેરી સાપોની ઓળખ, વન્ય પ્રાણીઓથી બચવા માટેની તકેદારી અને પર્યાવરણ સંતુલનમાં વન્યજીવોના ફાળાની વિસ્તૃત સમજ આપી હતી, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી.
કારકિર્દી માર્ગદર્શન સત્રમાં શ્રી પ્રજેશભાઈ ટંડેલ (આચાર્યશ્રી, ભેંસકાતરી)એ માધ્યમિક શિક્ષણ પછી ઉપલબ્ધ વિવિધ પ્રવાહો અને ટેકનિકલ ક્ષેત્રોની માહિતી આપી હતી. જ્યારે શ્રીમતિ અમૃતાબહેન પટેલ (આચાર્યશ્રી, સાજુપાડા)એ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વિકસાવવો અને યોગ્ય લક્ષ્ય નિર્ધારણ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીના વિઝનનું પ્રતિબિંબ રહ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને પુસ્તકિય જ્ઞાન સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના મૂલ્યો શીખવવા અને ભવિષ્ય માટે તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો. તમામ શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો હતો. વિદ્યાર્થીઓએ ટ્રેકિંગ અને પ્રકૃતિ નિરીક્ષણ દ્વારા નવી બાબતો શીખી અને કુદરત સાથેનો નજીકનો અનુભવ મેળવ્યો હતો.
અંતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે સાત્વિક સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.