

*માજીર પાડાના અનાજ ગોડાઉન બહાર સડેલું અનાજ ફેંકાતા લોકોમાં રોષ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
આહવા શહેરના માજીર પાડા વિસ્તારમાં આવેલા અનાજના ગોડાઉનમાંથી પડતર તથા વેસ્ટેજ અનાજનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ગોડાઉન બહાર સડી ગયેલું અનાજ ફેંકવામાં આવતા આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે.
હાલ ચોમાસાની ઋતુ હોવાથી સડી ગયેલા અનાજમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગોડાઉન આસપાસ ગરીબ પરિવારો વસવાટ કરતા હોવાથી નાના બાળકો તેમજ સ્થાનિકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુમાં, ગોડાઉન બહાર ફેંકાયેલા સડેલા અનાજને ગાય-ઢોર સહિતના અન્ય પ્રાણીઓ ખાઈ રહ્યા હોવાથી પશુઓના આરોગ્યને પણ નુકસાન થવાની સંભાવના છે. આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી છે કે સડી ગયેલા અનાજનો તાત્કાલિક અને યોગ્ય રીતે અન્યત્ર નિકાલ કરવામાં આવે અને ગોડાઉન બહાર વેસ્ટેજ અનાજ ન ફેંકાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે. લોકોના આરોગ્ય તથા પશુઓને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખી સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.