

*આહવા ખાતે ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસ: સામાજિક એકતા અને ભાઈચારાની મિસાલ પેશ કરાઈ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મદ્રેસા-એ-ગૌસિયા દ્વારા આયોજિત ભવ્ય જુલૂસમાં મુસ્લિમ સમાજની સાથે અન્ય સમાજના અગ્રણીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો.
વિવિધ માર્ગો પર ફરી જુલૂસનું સમાપન
મદ્રેસા-એ-ગૌસિયાથી શરૂ થયેલું આ જુલૂસ આહવા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારો અને માર્ગો પરથી પસાર થયું હતું. નગરભ્રમણ બાદ જુલૂસ કબ્રસ્તાન ખાતે પહોંચ્યું હતું, જ્યાં વિધિવત ફાતિયા પઢીને જુલૂસનું સમાપન કરવામાં આવ્યું હતું.
સામાજિક અને રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ
આ પવિત્ર પ્રસંગે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ આમીનભાઈ શાહ તથા મૌલાના ઝાકીર હુસૈન સહિતના ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સામાજિક સમરસતાના દર્શન કરાવતા જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલ ઠાકરે, તાલુકા પંચાયત સદસ્ય રાકેશ પવાર, માજી સરપંચ હરિચન ભોંયે તેમજ સામાજિક અગ્રણી દીપક પટેલે પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
શાંતિ અને ભાઈચારાનો સંદેશ
ઉપસ્થિત તમામ આગેવાનોએ ઈદ-એ-મિલાદ પર્વની શુભકામનાઓ પાઠવતા સમાજમાં પરસ્પર પ્રેમ, શાંતિ અને એકતા જળવાઈ રહે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. તમામ સમાજના લોકોની સહભાગિતાથી આયોજિત આ જુલૂસ આહવામાં કોમી અખંડિતતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યું હતું