ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ગીર સોમનાથ જિલ્લા શાખા – વેરાવળ) ના ઉપક્રમે થેલેસેમિયા પીડિત બાળકો માટે મેડિકલ તપાસ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશન અને ગ્લોબલ હોસ્પિટલ (અમદાવાદ) ના બાળકોના લોહી અને કેન્સરના નિષ્ણાત ડૉ. વૈભવ શાહે ઉપસ્થિત રહી બાળકોની તપાસ કરી હતી. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ (Bone Marrow Transplant) પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.
ગત ૫ જુલાઈના રોજ 9 મેજર થેલેસેમિયા બાળકો અને તેમના સંબંધીઓના 50 નમૂના લેવામાં આવ્યા હતા બાળકોના HLA ટાઈપિંગ (HLA Typing) ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાંથી હાલ ૯ થી ૧૦ બાળકોના રિપોર્ટ આવી ગયા છે અને ૨ બાળકોના રિપોર્ટ ‘ફુલ મેચ’ થયા છે.
વેરાવળ ખાતે યોજાયેલ OPD દરમિયાન દરેક બાળકની વ્યક્તિગત મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને તેમના વાલીઓને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી આગળની સારવાર અને પ્રક્રિયા માટે અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે. સંસ્થા દ્વારા શક્ય એટલી વહેલી તકે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી બાળકોને થેલેસેમિયાથી મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઉપસ્થિત ડોક્ટર તેમજ શૈવલ ગાંધી એ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા માટે ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો પર જણાવી હતી
બરોળ (Spleen)ની સાઈઝ:
ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીની બરોળની સાઈઝ ૨ સેન્ટીમીટર (2 cm) થી ઓછી હોવી જરૂરી છે. સામાન્ય રીતે હાથથી સ્પર્શ કરીને અંદાજ મેળવવામાં આવે છે અને જો સાઈઝ ૨ સેમીથી ઓછી હોય તો ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ વધી શકાય છે.
ફેરીટીન (Ferritin) રિપોર્ટ:
શરીરમાં એકઠા થયેલા લોખંડ (આયર્ન)ના પ્રમાણને દર્શાવતો ફેરીટીન રિપોર્ટ સામાન્ય રીતે ૨૦૦૦ (2000) થી ઓછો હોવો જોઈએ.
ફેરીટીનના ઊંચા લેવલ અંગે ચિંતા અને સ્થિતિ:
તબીબે જણાવ્યું કે આપણા દેશમાં આયર્ન ઓવરલોડને કારણે દર્દીઓમાં ફેરીટીનનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. જો ફેરીટીનનું સ્તર ૯૦૦૦, ૬૦૦૦, ૫૦૦૦ કે ૪૦૦૦ જેટલું ઊંચું થઈ ગયું હોય, તો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં મુશ્કેલી પડે છે. તેથી ફેરીટીનનું લેવલ નિયંત્રણમાં લાવવું અત્યંત જરૂરી છે.
આ કાર્યક્રમમાં રેડ ક્રોસ ચેરમેન અતુલ કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટ ઉનડકટ, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, થેલેસેમીયા કમિટી પરાગ ઉનડકટ, સબ કોર્ડીનેટર અનિસ રાચ્છ, સેક્રેટરી ગિરીશ ઠક્કર, મુકેશ ચગ, વિરલ બજાણિયા સહિત રેડ ક્રોસ મેનેજમેન્ટ એડમીન રાધાકૃષ્ણ પમનાણીએ સ્ટાફ ટીમ સાથે રહી કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી.