

*ગાઢવી ગામેથી પોષણ માસ-૨૦૨૬નો શુભારંભ*
*આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ હેઠળ પોષણ અંગે જનજાગૃતિ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર | ડાંગ-આહવા :*
આહવા ઘટકની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ગાઢવી ગામ ખાતે પોષણ માસ-૨૦૨૬નો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. સોનલબેન ગામીતે બાળકોના સર્વાંગી વિકાસ માટે સંતુલિત આહાર, આરોગ્ય સંભાળ તથા આંગણવાડી સેવાઓના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ હેઠળ આહારની વિવિધતા, પ્રોટીનયુક્ત પોષણ, સગર્ભા અને ધાત્રી માતાઓનું આરોગ્ય તથા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. બાળકોને નિયમિત આંગણવાડીમાં મોકલવા વાલીઓને અનુરોધ કરાયો હતો.
આ પ્રસંગે લાભાર્થીઓને ટી.એચ.આર.નું વિતરણ કરી તેમાંથી તૈયાર કરી શકાય તેવી પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ પોષણ શપથ લઈ બાળકો અને માતાઓના સારા આરોગ્ય માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય સેવિકા, NNM-PSY સ્ટાફ, આગેવાનો, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.