
માતાનામઢ / લખપત (કચ્છ):
ભારત ગેસ (Bharatgas) દ્વારા ડોમેસ્ટિક LPG ગેસ વપરાશકર્તાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ફરજીયાત સુરક્ષા ચેકિંગ અને નિરીક્ષણની વ્યવસ્થા અમલમાં છે. કંપનીના પરિપત્ર નં. એચ.ડી./ટી.એમ./ તા. 28-08-2001 તથા તા. 07-02-1990 સુધીના સુધારેલા જોષી રિપોર્ટ મુજબ, દરેક ગેસ ગ્રાહક માટે નિયમિત સલામતી તપાસ કરાવવી આવશ્યક બનાવવામાં આવી છે.
આ ફરજીયાત ચેકિંગ અંતર્ગત અધિકૃત અને પ્રશિક્ષિત મેકેનિક દ્વારા ગ્રાહકોના ઘરમાં LPG સિલિન્ડર, પ્રેશર રેગ્યુલેટર, રબર ટ્યુબ (સેફ્ટી પાઈપ), હોટ પ્લેટ (સ્ટવ) તેમજ રસોડાની કુલ સલામતી વ્યવસ્થાઓની વિસ્તૃત તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ ગેસ લીકેજ, આગ લાગવાના બનાવો અને સંભવિત અકસ્માતોને સમયસર અટકાવવાનો છે.
તપાસ દરમિયાન સિલિન્ડર યોગ્ય રીતે ઊભું રાખવામાં આવ્યું છે કે નહીં, તે સીધા સૂર્યપ્રકાશ કે તાપના સંપર્કમાં તો નથી ને, આસપાસ કોઈ સળગી ઉઠે તેવા પદાર્થો તો નથી ને—આ બાબતો ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. ઉપરાંત પ્રેશર રેગ્યુલેટર યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તથા રબર ટ્યુબ ISI પ્રમાણિત છે કે નહીં અને તેની સમયમર્યાદા પૂર્ણ તો નથી થઈ—તેની પણ તપાસ થાય છે.
હોટ પ્લેટ પર ISI માર્કની ખાતરી, બર્નર “ધીમા” અને “ફુલ” સ્થિતિમાં યોગ્ય રીતે ચાલે છે કે નહીં, તેમજ રસોડામાં પૂરતું હવા પ્રવાહ (વેન્ટિલેશન) ઉપલબ્ધ છે કે નહીં—આ તમામ મુદ્દાઓ ચકાસવામાં આવે છે. સાથે સાથે ગ્રાહકોને ગેસ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, જેમ કે ઇમર્જન્સી સમયે શું કરવું, રાત્રિના સમયે રેગ્યુલેટર બંધ રાખવાની આવશ્યકતા અને સિલિન્ડર ડિલિવરી વખતે કરવાની જરૂરી ચકાસણી.
ભારત ગેસ દ્વારા આ ૫ વર્ષીય ફરજીયાત નિરીક્ષણ માટે રૂ. 200 + GST (કુલ રૂ. 236) ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. લખપત તાલુકાના માતાનામઢ વિસ્તાર સહિત સર્વિસ કામગીરી અધિકૃત એજન્સી દ્વારા નિયમ મુજબ પારદર્શક રીતે ચાલી રહી છે. ભારત ગેસના અધિકારીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ આ સલામતી ચેકિંગને ગંભીરતાથી લઈ સમયસર પૂર્ણ કરાવે, જેથી પરિવાર અને સંપત્તીની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
પ્રેસ માટે જાહેર
✍️ લેખક / રિપોર્ટ: આદમ નોતિયાર