

*ડાંગનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન આહવા ખાતે યોજાશે :*
–
*વઘઇ તાલુકાનો કાર્યક્રમ નડગચોંડ અને સુબીર તાલુકાનો કાર્યક્રમ બુરથડી ખાતે યોજાશે :*
–
*પ્રજાસત્તાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી અંગે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઇ :*
–
ઝાકિર ઝંકાર: આહવા: તા: ૧૯:
આગામી તા.૨૬ મી જાન્યુઆરી- પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજનાર છે. જેના આયોજન અર્થે આજરોજ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના આયોજન અને તૈયારીના ભાગરૂપે જિલ્લા અધિકારીશ્રીએ સાથે બેઠક યોજાઇ હતી.
આહવા ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમની વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કર્યો હતો.
જિલ્લા અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિષ્ઠા સાથે સુપેરે બજાવવાની હિમાયત કરતા, જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ, પાર્કિંગ વ્યવસ્થા, ડાયસ પ્લાન, એનાઉન્સર, મહાનુભાવોના આગમન સંબંધિત વ્યવસ્થાઓ વિગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.ડી.તબીયારે વિભાગવાર કામગીરી સંદર્ભે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વઘઇ તાલુકા કક્ષાનો કાર્યક્રમ નડગચોંડ તેમજ, સુબીર તાલુકા કક્ષાનો કાર્યક્રમ બુરથડી ખાતે યોજાનાર છે.
–