

*મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત ડાંગ જિલ્લા કક્ષાનો લોન્ચિંગ કાર્યક્રમ આહવા ખાતે યોજાયો :*
–
*આહવા ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું ખાતમુહર્ત કરાયું :*
–
*ડાંગ જિલ્લાની કુલ ૫૫ ગ્રામ પંચાયતોના ભવન નિર્માણ માટે રૂ. ૧૩૯૦ લાખની જોગવાઈ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૩૦: મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું સમગ્ર ગુજરાતમાં લોન્ચિંગ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને ડાંગ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવા ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન તેમજ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત વધતા શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તાલુકા મુખ્યમથક ધરાવતી પરંતુ નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજરોજ આહવા ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું ખાતમુહર્ત કરવામાં આવેલ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત ડાંગ જિલ્લાની કુલ ૫૫ ગ્રામ પંચાયતોના નવા ભવન નિર્માણ માટે રૂ. ૧૩૯૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. યોજનામાં આવરી લેવામાં આવેલી કોઈ ગ્રામ પંચાયત ભવિષ્યમાં શહેરી વિસ્તારમાં ભળી જાય અથવા શહેરી વિસ્તાર જાહેર કરવામાં આવે તો પણ આ યોજના હેઠળના ચાલુ કામો પૂર્ણ કરવામાં આવશે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકોને વધુ સારી આર્થિક તકો અને આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. શહેરો તરફ વધતા સ્થળાંતરણને ધ્યાનમાં રાખી તાલુકા મુખ્યમથક ધરાવતી મોટી ગ્રામ પંચાયતોનો શહેરી તર્જ પર સર્વાંગી વિકાસ કરી ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી આવા મોટા ગામડાઓ શહેરોના વિકલ્પ રૂપે વિકસે અને નાગરિકો શહેરો તરફ સ્થળાંતર કરતાં અટકે.
આણંદ જિલ્લાના ભાદરણ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ આ પ્રસંગે ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ આહવા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
–