
ડાંગ જિલ્લામાં માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ
રિપોર્ટર:ઝાકિર ઝંકાર: આહવા
આહવા ડાંગ જિલ્લામાં સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
માળી સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એ પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા અને શોષિત વર્ગના હિત માટે સમર્પિત કર્યું હતું. તેમણે સમાજમાં શિક્ષણ અને સમાનતાનું દીપ પ્રગટાવી મહિલાઓ અને વંચિત વર્ગને મુખ્ય ધારામાં લાવવા ઐતિહાસિક યોગદાન આપ્યું હતું.
મહાત્મા ફૂલેએ સ્ત્રી શિક્ષણનો પ્રારંભ કરી પોતાની પત્ની સાવિત્રીબાઈ ફૂલેનાં માર્ગદર્શનથી દેશની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે સમાજને નવી દિશા આપી. મહિલાઓ માટે પ્રથમ શાળાની સ્થાપના સાથે અનેક શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી મહિલાઓના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું.
ફૂલે દંપતીએ બાળહત્યા નિવારણ ગૃહ, મહિલા અનાથ આશ્રમ તેમજ મજૂરો માટે રાત્રિ શાળાઓ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સુધારણાનું કાર્ય આગળ વધાર્યું હતું. તેમના આ ઐતિહાસિક યોગદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી નવાજવામાં આવે તેવી માળી સમાજે માંગ ઉઠાવી છે.
સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ, ડાંગ ગુજરાતના પ્રતિનિધિઓ રાજેન્દ્ર સોનવણે, રાજેન્દ્ર મહાજન, દિપક મહાજન, હિરામણ મહાજન, ધનંજય મહાજન, સાગર મહાજન, પ્રગ્નેશ માળી અને સંજય માળી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
માળી સમાજે જણાવ્યું હતું કે જો ભારત સરકાર દ્વારા ફૂલે દંપતીને ભારત રત્ન એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવશે તો તે દેશના પછાત અને શોષિત વર્ગ માટે સચ્ચા અર્થમાં ન્યાય સમાન રહેશે.