

*આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ગોંડલવિહિર પ્રાથમિક શાળામા ‘સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)’ નો કાર્યક્રમ યોજાયો :*
–
*સેવાસેતુ ના કાર્યક્રમમાં ૫૮૨ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો :*
–
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ આજરોજ તારીખ ૧ માર્ચના રોજ આહવા તાલુકાના ગોંડલવિહિર ગામે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સરકારના ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સેવા સેતુ ૨.૦ (ગ્રામ્ય)ના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સેવા સેતુ’ ના કાર્યક્રમથી રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની, ૫૫થી વધુ યોજનાઓનો ઘર આંગણે જ લાભ પુરો પાડવામા આવે છે. ત્યારે સૌ લાભાર્થી લોકોએ સરકારની તમામ યોજનાઓની જાણકારી મેળવીને લાભ લેવો જોઇએ, જેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્માન કાર્ડ હેઠળ ઉપલબ્ધ રૂપિયા ૧૦ લાખ સુધીની તબીબી સારવાર માટેના કાર્ડ મેળવી લેવા તમામ લોકોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત મહિલાઓ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રોજગારલક્ષી પી.એમ. વિશ્વકર્મા યોજના, વારસાઇ, આવકના દાખલા, જાતીના દાખલા,રેશન કાર્ડ વિગેરે પણ પણ સેવાકીય લાભો લેવા જણાવ્યું હતું.
પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આબંલિયાએ જણાવ્યું હતું કે, સેવાસેતુના કાર્યક્રમથી સરકાર આપણા ઘરઆંગણે આવે છે. આ કાર્યક્રમમાં મળવાપાત્ર લાભાર્થીઓને લાભ આપવા સાથે તમામ લોકો સરકારની યોજનાકીય બાબતોથી અવગત થાય તે માટેનું છે. ત્યારે સૌએ સરકારી યોજનાઓની જાણકારી મેળવવી તેમજ તંત્ર જવાબદારી પૂર્વક કામ કરે છે કે નહી તેની જાણકારી લેવા લોકોને જણાવ્યું હતું. સાથે જ તમામ વિભાગના અધિકારીશ્રીઓને પોતાના વિભાગની યોજનાકીય માહિતી લોકો સુધી પહોચાડવા જણાવ્યું હતું.
ગોંડલવિહિર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગોંડલવિહિર, ભીસ્યા, ચનખલ, ધવલીદોડ, મહાલપાડા આમ કુલ પાંચ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામના કુલ ૧૪ ગામના લોકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા લિધો હતો. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ ૫૮૨ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગોંડલવિહિર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ સેવાસેતુના કાર્યક્રમમાં આધારકાર્ડ સંબંધિત સેવાઓ, રાશનકાર્ડ સંબંધિત સેવાઓ, આવકના દાખલા, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસૂલી રેકર્ડમાં વારસાઇ માટેની અરજી, પ્રાધનમંત્રી જન આરોગ્ય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, આઇસીડીએસ બાળકોના આધારકાર્ડ, નમોશ્રી, ખાતેદાર ખેડૂતના નમૂના ૭/૧૨ સાથે આધારકાર્ડનું જોડાણ, સ્વામિત્વ યોજના, કિશાન ક્રેડિટ કાર્ડ વિગેરે મહેસુલી સેવાઓનો ઘર આંગણે લાભ મળ્યો હતો.
આ કાર્યક્રમમાં આહવા તાલુકા વિકાસ અધિકારી શ્રી આર. બી. ચૌધરી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ડો. મનીષાબેન મુલતાની સહિતના અધિકારીશ્રીઓ તેમજ લાભાર્થી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
–