
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તાર ખાતે ’સેવાસેતુ કાર્યક્રમ ૨.૦ (શહેરી)નું આયોજન
રિપોર્ટર સાકીર ટીટોઇયા

ગુજરાત રાજ્ય સરકારના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના મંત્રને અનુરૂપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા ‘સેવાસેતુ કાર્યક્રમ ૨.૦ અંતર્ગત મોડાસા નગરપાલિકા વિસ્તાર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમ દ્વારા મોડાસા તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને ઘર આંગણે જ વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓના લાભ ત્વરિત પૂરા પાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને નગર વિસ્તારોમાં રહેતા નાગરિકોને તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ આપી, સમય અને ખર્ચની બચત કરીને સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો છે. ‘સેવાસેતુ ૨.૦’ એ પ્રજાના દ્વારે વહીવટી તંત્રને લઈ જવાનું અસરકારક માધ્યમ બની રહ્યું છે.
આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને આવકના દાખલા, રેશનકાર્ડમાં સુધારા/નામ ઉમેરા-કમી, E-KYC, આધારકાર્ડ સંબંધિત સેવાઓ, હેલ્થ સેવાઓ (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, હેલ્થ વેલનેસ કાર્ડ), કૃષિ વિભાગની યોજનાઓ (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કૃષિ સહાય), પંચાયત વિભાગના પ્રમાણપત્રો (7/12, 8-અ, વારસાઈ વગેરે), પશુપાલન વિભાગની સેવાઓ (પશુ સારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન), જન્મ-મરણ પ્રમાણપત્ર તથા અન્ય અનેક યોજનાઓના લાભ સ્થળ પર જ આપવામાં આવ્યા છે. કાર્યક્રમમાં આવક-જાતિના દાખલા, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન જેવી યોજનાઓ પણ સમાવિષ્ટ રહી છે. વિવિધ વિભાગોના અધિકારીઓ, તાલુકા વહીવટી તંત્ર તથા મોડાસા નગરપાલિકાના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને નાગરિકોની તમામ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કર્યું હતું.
રાજ્ય સરકાર અરવલ્લી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ‘સેવાસેતુ ૨.૦ –શહેરી ’ના બીજા તબક્કાના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો સુધી આ સુવિધા પહોંચાડવા પ્રતિબદ્ધ છે. આ પહેલ ડિજિટલ અને સમાવેશી વિકાસની દિશામાં મહત્વનું પગલું છે, જેનાથી છેવાડાના વિસ્તારોના લોકોને સરકારી સેવાઓનો સરળ અને ત્વરિત લાભ મળે છે.