*ચોમાસામાં તંદુરસ્તીનો મહામંત્ર- સ્વાદ પર સંયમ, રોગો અને મેદસ્વિતાથી મુક્તિ*
…..
ચોમાસાની ઋતુ આવતા જ વાતાવરણમાં એક આહલાદક ઠંડક પ્રસરી જાય છે. આ માહોલમાં ગરમાગરમ ભજીયા, સમોસા કે તીખો-તળેલો ખોરાક ખાવાની ઈચ્છા થવી સ્વાભાવિક છે. પરંતુ, સ્વાદની આ પળો લાંબાગાળે સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. ચોમાસામાં તળેલું અને તીખું ભોજન માત્ર પેટની બીમારીઓ જ નહીં, પરંતુ મેદસ્વિતા અને અન્ય ગંભીર રોગોને પણ ખુલ્લું આમંત્રણ આપે છે. આ ઋતુમાં આપણા પૂર્વજોએ અપનાવેલી પરંપરાઓ જેવી કે હળવો ખોરાક, એકટાણાં અને ઉપવાસ એ માત્ર ધાર્મિક માન્યતાઓ નથી, પરંતુ તેની પાછળ એક મજબૂત વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે. ચાલો સમજીએ કે ચોમાસામાં મેદસ્વિતા મુક્તિ અને રોગમુક્તિ માટે આ આદતો કેટલી જરૂરી છે.
*ચોમાસામાં મંદ પડતી પાચનશક્તિ*
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આ ભેજને કારણે આપણા શરીરની પાચનશક્તિ એટલે કે જઠરાગ્નિ મંદ પડી જાય છે. જ્યારે પાચનક્રિયા ધીમી હોય ત્યારે ભારે, તળતો કે તીખો ખોરાક પચવામાં ઘણો સમય લે છે. ન પચેલો ખોરાક શરીરમાં ટોક્સિન્સ પેદા કરે છે, અને વધારાની કેલરી સીધી ચરબી સ્વરૂપે જમા થવા લાગે છે, જે મેદસ્વિતાનું મુખ્ય કારણ બને છે.
*એકટાણાં અને ઉપવાસ: એક વૈજ્ઞાનિક ડિટોક્સ પ્લાન*
આપણા ધર્મમાં શ્રાવણ માસ કે ચોમાસા દરમિયાન એકટાણાં કે ઉપવાસ કરવાની પરંપરા છે. આજના વિજ્ઞાનમાં તેને કહેવામાં આવે છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રના અંગોને પૂરતો આરામ મળે છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે ઉપવાસ દરમિયાન શરીર પોતાના ખરાબ અને નકામા કોષોને જાતે જ સાફ કરવા લાગે છે, જેને ઓટોફેજી કહે છે. આનાથી શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. આ ઉપરાંત, એકટાણાં કરવાથી કેલરીની માત્રા આપોઆપ મર્યાદિત થઈ જાય છે, જે વજન ઘટાડવામાં અને મેદસ્વિતાને નાથવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે.
*તીખા અને તળેલા ભોજનની આડઅસરો*
ચોમાસામાં બહારનું કે ઘરનું વધુ પડતું તળેલું ખાવાથી પેટના રોગો જેવા કે ગેસ, એસિડિટી, અપચો અને ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. ચોમાસામાં બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાય છે, જેથી બહારની લારીઓ પર મળતો તીખો-તળેલો ખોરાક ઇન્ફેક્શનનું મોટું કારણ બને છે. લાંબાગાળે તળેલા ખોરાકથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે, જે મેદસ્વિતાની સાથે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધારે છે.
*મેદસ્વિતા મુક્તિ માટે ચોમાસામાં શું કરવું અને શું ટાળવું?*
આ ચોમાસામાં સ્વસ્થ રહેવા, વજન નિયંત્રણમાં રાખવા અને “મેદસ્વિતા મુક્તિ અભિયાન”ને સફળ બનાવવા માટે આહાર અને વિહારમાં ચોક્કસ બદલાવ જરૂરી છે. આ ઋતુમાં ભજીયા, સમોસા, પીઝા, બર્ગર કે પેકેટ ફૂડ જેવા તળેલા અને જંક ફૂડને બિલકુલ બંધ કરવા જોઈએ અને તેના બદલે મગ, મગની દાળની ખીચડી, ગરમ સૂપ અને બાફેલી શાકભાજી જેવો હળવો અને ગરમ ખોરાક લેવો જોઈએ. તેવી જ રીતે, ફ્રિજનું ઠંડું પાણી, સોડા કે આઈસ્ક્રીમ પાચનક્રિયાને વધુ નબળી પાડતા હોવાથી તેને ટાળવા જોઈએ અને દિવસભર ઉકાળેલું અથવા નવશેકું હૂંફાળું પાણી પીવું જોઈએ, જે મેટાબોલિઝમ બુસ્ટ કરીને ચરબી ઓગળવામાં મદદ કરે છે.
આરોગ્યની જાળવણી માટે બહારનો વાસી, ખુલ્લો રાખેલો કે લારી-ગલ્લા પરનો ખોરાક ખાવાનું સંપૂર્ણપણે ટાળવું હિતાવહ છે. તેના સ્થાને આહારમાં સફરજન, નાશપતી, પપૈયુ અને દાડમ જેવા તાજા મોસમી ફળોનો સમાવેશ કરવો જોઈએ, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત, શારીરિક સક્રિયતા પણ એટલી જ જરૂરી છે. જમ્યા પછી તરત સૂઈ જવાની કુટેવથી કેલરી બર્ન થતી નથી અને પેટ તથા કમરની ચરબી ઝડપથી વધે છે, જેથી આ આદત બદલવી જોઈએ. જો વરસાદને કારણે બહાર ન જઈ શકાય, તો ઘરમાં જ નિયમિત યોગ, પ્રાણાયામ કે ઇન્ડોર એક્સરસાઇઝ કરવાની ટેવ પાડવી જોઈએ.
આ ચોમાસે માત્ર જીભના સ્વાદ પાછળ દોડવાને બદલે શરીરની જરૂરિયાતને સમજીએ. “મેદસ્વિતા મુક્તિ અભિયાન” ને સાર્થક કરવા માટે સંયમિત આહાર, હળવો ખોરાક અને ઉપવાસની વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવીએ. યાદ રાખો, તંદુરસ્ત શરીર જ સાચી સુખાકારી છે!
…..
*આલેખન: HITESH PATEL
GANDHINAGAR