

નર્મદા નદીના તિલકવાડા કિનારે 600 સીડ બોલનું વિતરણ, હરિયાળી વધારવા અભિનવ શારદા ગ્રુપની અનોખી પહેલ
નર્મદા: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વડોદરાના અભિનવ શારદા ગ્રુપ દ્વારા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં નર્મદા નદીના કિનારે અનોખું હરિત અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના વૃક્ષોના અંદાજે 600 સીડ બોલ (બીજ ગોળા) નર્મદા કિનારાના વિસ્તાર તેમજ નર્મદા પરિક્રમા માર્ગ પર વિતરણ (સીડ બોલ થ્રો) કરવામાં આવ્યા હતા.
નર્મદા પરિક્રમા માર્ગ ધાર્મિક અને કુદરતી દૃષ્ટિએ અત્યંત મહત્વનો માર્ગ માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે હજારો પરિક્રમાવાસીઓ પસાર થાય છે. આ માર્ગ વધુ હરિયાળો અને પર્યાવરણમૈત્રી બને તેમજ નર્મદા કિનારાની કુદરતી સુંદરતામાં વધારો થાય તે હેતુથી આ સ્થળની પસંદગી કરવામાં આવી હતી.
સીડ બોલ પદ્ધતિ દ્વારા માટી, જૈવિક ખાતર અને વિવિધ વૃક્ષોના બીજને ગોળાના સ્વરૂપમાં તૈયાર કરીને કુદરતી વિસ્તારોમાં વિખેરવામાં આવે છે. વરસાદી ઋતુ દરમિયાન આ બીજ અંકુરિત થઈ નવા વૃક્ષોના રૂપમાં વિકસે છે, જેના કારણે ઓછા ખર્ચે વિશાળ વિસ્તારમાં હરિયાળી વધારવાનું કાર્ય શક્ય બને છે.
અભિનવ શારદા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે વૃક્ષોનું સંવર્ધન આજના સમયમાં માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પણ અત્યંત જરૂરી બન્યું છે. નર્મદા નદીના કિનારાનો હરિયાળો વિસ્તાર જળ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના વિકાસ અને પર્યાવરણના સંતુલન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા પ્રયાસોથી કુદરતી સંપદાનું જતન થવાની સાથે સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ વધે છે.
સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓએ આ પહેલને આવકારી હતી અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ તથા સીડ બોલ અભિયાન જેવા હરિત કાર્યક્રમોમાં જોડાઈ પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી.
“આજે વાવેલું એક બીજ આવતીકાલનું હરિયાળું ભવિષ્ય છે.” આ સંદેશને સાકાર કરતી અભિનવ શારદા ગ્રુપની આ પહેલ સમાજ માટે પ્રેરણાદાયી બની છે.
રિપોર્ટર: ભઈલાલભાઈ બારીયા, નર્મદા