પાલનપુર-પારપડા રોડને આઇકોનિક બનાવવા માટે ₹1 કરોડનો ખર્ચ, છતાં રોડ ભંગાર હાલતમાં
પાલનપુરના બિહારી બાગ પારપડા ચોકડીથી શકુન ગ્રીન સોસાયટી સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે આશરે ₹1 કરોડની મંજૂરી આપવામાં આવી છે. જોકે, હાલ રોડની સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે.
થોડા સમય પહેલા આ રોડ પર બ્લોક પાથરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી તે બ્લોક દૂર કરીને રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ કામગીરી પણ કોઈ કારણસર અધૂરી છોડી દેવામાં આવી છે.
કામ અધૂરું રહેતા રસ્તા પર અવ્યવસ્થા સર્જાઈ છે અને જાહેર નાણાંનો બગાડ થયો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. હવે સ્થાનિક લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે કરોડો રૂપિયાના વિકાસકાર્યો મંજૂર થયા બાદ પણ કામ પૂર્ણ કેમ કરવામાં આવતું નથી?
સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
