

*આહવામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ: ગરીબ મહિલાની જોખમી સ્થિતિમાં સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો*
*સરકારી હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાતની ગેરહાજરી અને ભારે વરસાદ વચ્ચે ગૌરાંગ ક્લિનિકના ડૉ. એ. જી. પટેલે વેક્યુમ પદ્ધતિથી સફળ પ્રસૂતિ કરાવી*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર, આહવા ડાંગ*
આજ રોજ તા. 24/07/2026ના રોજ વહેલી સવારે અંદાજે 6:00 વાગ્યે આહવા સરકારી હોસ્પિટલ ખાતે એક ગરીબ સગર્ભા મહિલા પ્રસૂતિ માટે દાખલ થઈ હતી. મહિલાનો જન્મ માર્ગ (CPD) સાંકડો હોવાથી સામાન્ય રીતે ડિલિવરી શક્ય બની રહી ન હતી. તે ઉપરાંત સરકારી હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાતની ગેરહાજરી હતી અને ભારે વરસાદને કારણે દર્દીને વધુ સારવાર માટે વલસાડ લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહનની સુવિધા ઉપલબ્ધ થઈ શકી ન હતી.
આ ગંભીર અને પડકારજનક પરિસ્થિતિમાં આહવા સ્થિત ગૌરાંગ ક્લિનિકના ડૉ. એ. જી. પટેલ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક દર્દીની સ્થિતિનું નિરીક્ષણ કરીને વેક્યુમ ઓપરેટર (સક્શન મશીન)ની મદદથી અત્યંત કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.
ડૉ. પટેલના સમયસરના નિર્ણય અને તબીબી કુશળતાના કારણે માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. સમયસર સારવાર ન મળી હોત તો માતા અને બાળક બંનેના જીવને જોખમ ઊભું થઈ શકતું હતું.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તબીબી વ્યવસાય માત્ર એક વ્યવસાય નહીં, પરંતુ માનવસેવાનું શ્રેષ્ઠ સાધન છે. ડૉ. એ. જી. પટેલની આ સેવાભાવી કામગીરીની સ્થાનિક નાગરિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.