

*દક્ષિણ ગુજરાતના આદિવાસી હાલરડાં પર સંશોધન બદલ ડૉ. જીતેન્દ્ર ગવળીને પીએચ.ડી.ની ડિગ્રી અને સર્વશ્રેષ્ઠ રિસર્ચ એવોર્ડ એનાયત*
–
*રિપોર્ટર ઝાકિર ઝંકાર આહવા ડાંગ*
પાટનગર ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ૧૭મા સ્થાપના દિવસ તથા છઠ્ઠા પદવીદાન સમારોહની તાજેતરમાં સ્વર્ણિમ સંકુલ-૧ સ્થિત સાબરમતી હોલ (વિધાનસભા) ખાતે ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ તથા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય શ્રી દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોશી, ગાંધીનગરના મેયર સુશ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય સુશ્રી રીટાબેન પટેલ તેમજ રજિસ્ટ્રાર ડૉ. સંજય ગુપ્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ડૉ. જીતેન્દ્ર ગુલાબભાઈ ગવળીને ગુજરાતી વિષયમાં “દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓના હાલરડાં : એક અધ્યયન” વિષય પર સફળતાપૂર્વક સંશોધન પૂર્ણ કરવા બદલ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત, દક્ષિણ ગુજરાતના આદિવાસી સાહિત્ય અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે કરાયેલા તેમના નોંધપાત્ર અને ઉચ્ચ કક્ષાના સંશોધનને માન્યતા આપતાં તેમને “સર્વશ્રેષ્ઠ રિસર્ચ એવોર્ડ” થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ડૉ. જીતેન્દ્ર ગવળીને પી.એચ.ડી.ની ડિગ્રી અને સર્વશ્રેષ્ઠ રિસર્ચ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો, જે તેમના શૈક્ષણિક જીવનની ગૌરવપૂર્ણ સિદ્ધિ બની છે.
ડૉ. ગવળીના આ સંશોધન કાર્યથી દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની સમૃદ્ધ લોકપરંપરા, હાલરડાં અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા શૈક્ષણિક અભ્યાસને નવી દિશા મળશે. તેમની આ સિદ્ધિને શિક્ષણજગત, સાહિત્યકારો તેમજ સમાજના વિવિધ વર્ગોએ હર્ષ અને ગૌરવની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા છે.
–