

*કામદ ગ્રામ પંચાયતમાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, બે મહિનામાં જ રોડ ધોવાઈ ગયો*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
₹3.50 લાખના ખર્ચે બનેલો રોડ ચોમાસામાં ધોવાઈ જતાં ગ્રામજનોમાં રોષ — 2022-23ના કામો 2025-26માં કર્યાનો પણ આક્ષેપ
ડાંગ: કામદ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કામદ ગ્રામ પંચાયત દ્વારા આશરે ₹3.50 લાખના ખર્ચે બનાવવામાં આવેલ રોડ માત્ર બે મહિનામાં જ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં રોડના કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ કેટલાક કામોમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની મિલીભગતથી ગેરરીતિ થતી હોવાના કારણે તેનો યોગ્ય લાભ લોકોને મળતો નથી. જેના કારણે ડાંગના અંતરિયાળ વિસ્તારો વિકાસમાં પાછળ રહી રહ્યા હોવાનો રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, 2022-23ના મંજૂર થયેલા કેટલાક કામો 2025-26માં કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. બિલમાળ ગામના ખોખરી ફળિયામાં આવેલા હનુમાન મંદિર તરફના રોડ સહિતના કામોની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે.
ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવી, કામની ગુણવત્તા, ખર્ચ અને બિલોની ચકાસણી કરવામાં આવે તથા ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
નોંધ: ઉપરોક્ત આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે; સત્તાવાર તપાસ બાદ જ આક્ષેપોની હકીકત સ્પષ્ટ થશે.