ધોળકાના ભેટાવાડા ગામે કેમિકલયુક્ત અને ગંદા પાણીના વિરોધમાં ગ્રામજનોનું આંદોલન
મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો રામધૂન તથા નારેબાજી સાથે મંડપ બાંધી ધરણા પર બેઠા
ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે ગટર તથા કેમિકલયુક્ત પાણીના મુદ્દે ગ્રામજનો આંદોલનના માર્ગે ઉતર્યા છે. ધોળકા નગરપાલિકા અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી ગંદુ તથા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો એકઠા થયા હતા.
ગ્રામજનોએ રામધૂન અને નારેબાજી કરી મંડપ બાંધી ધરણા શરૂ કર્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 15થી 20 વર્ષથી ગટરનું પાણી અને ઔદ્યોગિક એકમોનું કેમિકલયુક્ત પાણી ગામ તરફ છોડવામાં આવી રહ્યું છે.
ભેટાવાડા સહિત નેસડા, આંબારેલી, ત્રાસંદ અને પાલડી ગામોમાં પણ ગંદા તથા કેમિકલયુક્ત પાણીના કારણે પીવાના પાણી, ખેતીની જમીન અને આરોગ્ય પર ગંભીર અસર થતી હોવાનો ગ્રામજનોનો દાવો છે.
કેમિકલયુક્ત પાણીના કારણે ખેતી અને બાગાયતના પાકને નુકસાન તેમજ જમીનની ફળદ્રુપતા ઘટી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ વધુમાં દાવો કર્યો છે કે ગામમાં 50થી વધુ લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે અને આશરે 21 કેન્સરગ્રસ્ત લોકોના મોત થયા છે. જોકે આ આંકડાઓની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણી સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ગંદા અને કેમિકલયુક્ત પાણીનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે અને પાણી છોડવાનું બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.
રિપોર્ટર મકવાણા નરેન્દ્ર