

*સરકારી વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં પ્રવેશ ફી વસૂલાતનો હિસાબ જાહેર કરો: ગાર્ડન સરકાર ચલાવે છે કે ખાનગી એજન્સી?*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ (વઘઈ)*
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં પ્રવાસીઓ પાસેથી લેવામાં આવતી પ્રવેશ ફીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. વઘઈ બોટાનિકલ ગાર્ડન દક્ષિણ ડાંગ વન વિભાગ સાથે સંકળાયેલું હોવાની સત્તાવાર માહિતી ઉપલબ્ધ છે, ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગાર્ડનનું સંચાલન સીધું સરકાર/વન વિભાગ દ્વારા કરવામાં આવે છે કે કોઈ ખાનગી એજન્સી કે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે?
પ્રવાસીઓના જણાવ્યા મુજબ ગાર્ડનમાં ૧ થી ૧૫ વર્ષની ઉંમરના વ્યક્તિ પાસેથી રૂ.૧૦ અને ૧૫ વર્ષથી ઉપરના વ્યક્તિ પાસેથી રૂ.૨૦ પ્રવેશ ફી લેવામાં આવે છે. જો આ ફી સરકાર દ્વારા મંજૂર કરાયેલી હોય તો તેનો સત્તાવાર ઠરાવ, ફીનો દર, વસૂલાતની પદ્ધતિ અને અત્યાર સુધી વસૂલ થયેલી રકમનો હિસાબ જાહેર કેમ કરવામાં આવતો નથી?
સરકારી મિલકતમાં પ્રવાસીઓ પાસેથી પ્રવેશ ફી વસૂલવામાં આવતી હોય તો દરેક રૂપિયાની વસૂલાતનો હિસાબ પારદર્શક હોવો જરૂરી છે. ટિકિટની રકમ સરકારી તિજોરીમાં જમા થાય છે કે કોઈ એજન્સી મારફતે વસૂલવામાં આવે છે? જો ખાનગી એજન્સીને સંચાલન સોંપવામાં આવ્યું હોય તો ટેન્ડર કઈ રીતે કરવામાં આવ્યું, કઈ એજન્સીને કોન્ટ્રાક્ટ મળ્યો, કેટલા સમય માટે મળ્યો અને સરકારને તેની સામે કેટલી રકમ/રોયલ્ટી મળે છે—તે તમામ વિગતો જાહેર થવી જોઈએ.
સરકારી મિલકત છે તો ફી વસૂલાતમાં પારદર્શિતા ક્યાં?
વઘઈ બોટેનિકલ ગાર્ડન માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ વન અને વનસ્પતિ સંરક્ષણ સાથે જોડાયેલું મહત્વનું સ્થળ છે. આવી જગ્યાએ પ્રવાસીઓ પાસેથી ફી વસૂલવામાં આવે તો ફી વસૂલાતની સત્તા અને તેનો હિસાબ જાહેર કરવો એ સરકાર અને સંબંધિત વન વિભાગની જવાબદારી છે.
તેથી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે તાત્કાલિક તપાસ કરી વિગતો જાહેર કરવી જોઈએ
ગાર્ડનનું વર્તમાન સંચાલન કોણ કરે છે?
જો ખાનગી એજન્સી હોય તો તેનું નામ અને કોન્ટ્રાક્ટની વિગતો શું છે?
પ્રવેશ ફીના રૂ.૧૦ અને રૂ.૨૦ના દર માટે કયો સરકારી ઠરાવ છે?
દરરોજ/માસિક કેટલી પ્રવેશ ફી વસૂલ થાય છે?
વસૂલ થયેલી રકમ ક્યાં જમા થાય છે?
અત્યાર સુધીની વસૂલાતનો ઓડિટ હિસાબ જાહેર કરવામાં આવ્યો છે કે નહીં?
પ્રવાસીઓને આપવામાં આવતી ટિકિટની રસીદ અને વસૂલાતની પ્રક્રિયાની તપાસ કરવામાં આવે.
સરકારી મિલકતમાંથી આવક થાય છે તો તેનો હિસાબ પણ સરકાર અને જનતા સમક્ષ પારદર્શક હોવો જોઈએ. આ મામલે જિલ્લા કલેક્ટર, દક્ષિણ ડાંગ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને હકીકત જાહેર કરવામાં આવે તેવી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે.