
*વધઈ તાલુકાના લવારીયા ગામ પાસેથી વહેલી સવારે વન વિભાગે દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ (વઘઈ)*
ડાંગ જિલ્લાના વધઈ તાલુકા અંતર્ગત આવતી સાકરપાતળ રેન્જની હદમાં વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ઓપરેશનલ કામગીરીના ભાગરૂપે લવારીયા ગામ પાસેથી આજે વહેલી સવારે એક દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાકરપાતળ રેન્જનાં લવારીયા ગામ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની સતત હાજરી અને અવરજવરના કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. લોકોની સુરક્ષાને ધ્યાને રાખી અને નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોના પગલે વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા.
વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં સંવેદનશીલ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દરમિયાન, આજરોજ વહેલી સવારે સાકરપાતળ રેન્જની હદમાં આવેલા લવારીયા ગામ નજીક મૂકવામાં આવેલા પાંજરામાં આ દીપડો ફસાઈ ગયો હતો અને વન વિભાગની ટીમે તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી.
દીપડો પાંજરે પુરાયાના સમાચાર મળતા જ સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા પકડાયેલા આ વન્યજીવને નિયમનુસાર સુરક્ષિત સ્થળે ખસેડવાની તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાથે જ, વન વિભાગ દ્વારા આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોને વહેલી સવારે કે મોડી સાંજે ખેતરમાં કે બહાર જતી વખતે સાવચેતી રાખવા તેમજ વન વિભાગના માર્ગદર્શન મુજબ વર્તવા અનુરોધ કરવામાં આવ્યો છે.