સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વ્યવસ્થાની મોટી મોકડ્રિલ, આતંકી હુમલાની સ્થિતિનું કરાયું રિહર્સલ
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ મોકડ્રિલ યોજવામાં આવી હતી. આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડને ધ્યાનમાં રાખીને આ કવાયત કરવામાં આવી હતી.
મોકડ્રિલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં બે હથિયારધારી આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોય તેવી કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વિવિધ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.
આ કવાયતમાં નર્મદા જિલ્લા પોલીસ સાથે CISF, SRPF, BDDS અને ફાયર વિભાગના જવાનો જોડાયા હતા. તમામ ટીમોએ એકબીજા સાથે સંકલન રાખીને ઓપરેશનને આગળ વધાર્યું હતું.
સુરક્ષા દળોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ ફૂડ કોર્ટ વિસ્તાર તરફ કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં બંને આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની પાસેથી AK-47, મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
મોકડ્રિલ પહેલાં વિશ્વ વન ખાતે CISFના કમાન્ડન્ટ દ્વારા સુરક્ષા કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંભવિત સ્થળો, ઓપરેશનના માર્ગો અને અલગ-અલગ એજન્સીઓની જવાબદારીઓ અંગે ટીમોને માહિતગાર કરવામાં આવી હતી.
આ સમગ્ર કવાયતનો હેતુ કટોકટીની સ્થિતિમાં સુરક્ષા દળો કેટલી ઝડપથી પ્રતિસાદ આપે છે અને વિવિધ એજન્સીઓ વચ્ચે કેટલું અસરકારક સંકલન થાય છે, તે ચકાસવાનો હતો.
મોકડ્રિલ બાદ અધિકારીઓની હાજરીમાં ડિ-બ્રીફિંગ યોજાયું હતું. તેમાં સમગ્ર કામગીરીની સમીક્ષા કરી પડકારો અને ભવિષ્યમાં જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય એકતા પરેડ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંભવિત હાજરીને ધ્યાનમાં રાખીને આ મોકડ્રિલને સુરક્ષા તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રિપોર્ટર ..ભાઈલાલભાઈ બારીયા.. નર્મદા