
MRTC મુખ્ય ઓફિસમાં પત્રકારોના પ્રવેશ પર રોક લગાવવાનો પ્રમુખનો પ્રયાસ: સભાસદોના સવાલો વચ્ચે એવું તો શું દબાવવામાં આવી રહ્યું છે?
મોડાસા:
MRTC (મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો-ઓપરેટિવ સોસાયટી) ની મુખ્ય ઓફિસ ખાતે રાણાસૈયદ પેટ્રોલ પંપના વહીવટ તેમજ નાણાકીય લેવડ-દેવડ અંગે સભાસદો દ્વારા ઉગ્ર રજૂઆત કરી પંપ ઇન્ચાર્જ સામે આકરા સવાલો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પત્રકારો જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી કવર કરવા પહોંચ્યા ત્યારે સંસ્થાના પ્રમુખ દ્વારા મેનેજરને પત્રકારોને અંદર પ્રવેશવા ન દેવા અને સવાલો પૂછતા અટકાવવા અંગે કહેવામાં આવ્યું હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. મીડિયાને રોકવાના આવા પ્રયાસો બાદ સોસાયટીના વહીવટ સામે અનેક ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે: પત્રકારોને અટકાવીને આખરે એવું તો શું દબાવવામાં આવી રહ્યું છે?
સભાસદોએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે ચાલુ ડિરેક્ટરના નામે આશરે ₹૭ .૫ લાખ જેવી મોટી રકમ બાકી બોલતી હોવા છતાં નિયમો નેવે મૂકીને NOC કેવી રીતે આપી દેવાઈ અને નામોની ફેરબદલ કેમ કરવામાં આવી?
સભાસદોનો સીધો સવાલ હતો કે પંપના ચોપડે કયા ડિરેક્ટરનું કેટલું દેવું છે, કોના નાણાં બાકી છે અને કોના નામે સુધારા થયા છે તે તમામ કાગળો ખુલ્લા મૂકવા જોઈએ. માત્ર પોસ્ટરો બનાવીને કે મૌખિક વાતો કરીને સભાસદોને ક્યાં સુધી અંધારામાં રાખવામાં આવશે?
સભાસદોએ રોષ વ્યક્ત કર્યો હતો કે વહીવટી બેદરકારી અને ભૂલોના લીધે નિર્દોષ માણસો પાસેથી નાણાં ભરાવવામાં આવ્યા તેમજ કોર્ટ-કચેરીના ધક્કા ખવડાવી વધારાનો ખર્ચ કરાવવામાં આવ્યો છે?
સભાસદો દ્વારા સતત પ્રશ્નોનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ITN ન્યૂઝ દ્વારા પંપ ઇન્ચાર્જ જાકીરભાઈને પૂછવામાં આવ્યું કે સભાસદો જે આક્ષેપો કરી રહ્યા છે તેમાં સત્ય શું છે અને તેઓ પોતાનો પક્ષ મૂકવા માંગે છે કે નહીં? સાથે જ પંપના ચેરમેન સાથે સંપર્ક કરાવી આપવા પણ જણાવવામાં આવ્યું હતું જેથી સત્તાવાર ખુલાસો સામે આવી શકે. પરંતુ પંપ ઇન્ચાર્જે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા આપવાનું ટાળીને સંપૂર્ણ મૌન ધારણ કરી રાખ્યું હતું? એક તરફ સભાસદોના ગંભીર આક્ષેપો સામે પંપ ઇન્ચાર્જનું મૌન, અને બીજી તરફ પત્રકારોને અંદર પૂછવા ન દેવાનો પ્રમુખનો કથિત પ્રયાસ—આ સમગ્ર ઘટનાક્રમ બાદ સભાસદોમાં હવે સૌથી મોટો સવાલ એ ગૂંજી રહ્યો છે કે: MRTC ના વહીવટમાં આખરે એવા કયા મોટા ગોટાળા છુપાયેલા છે જેને છુપાવવા માટે મીડિયા અને સભાસદોના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?