
*ડાંગમાં PM આવાસ યોજનાના હપ્તા માટે લાભાર્થીઓના ધક્કા!*
*આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં હપ્તા તથા મજૂરીના નાણાં માટે લાભાર્થીઓ પરેશાન!*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ: જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મળતા હપ્તા સમયસર ન મળતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકાના કેટલાક લાભાર્થીઓને આવાસ યોજનાના હપ્તા તેમજ મજૂરીના નાણાં મેળવવા માટે વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
લાભાર્થીઓના જણાવ્યા મુજબ, આવાસના કામ માટે જરૂરી હપ્તાની રકમ સમયસર ખાતામાં જમા ન થવાથી બાંધકામનું કામ આગળ વધારવામાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, આવાસ સાથે જોડાયેલી મજૂરીના નાણાં માટે પણ લાભાર્થીઓને વારંવાર અધિકારીઓનો સંપર્ક કરવો પડી રહ્યો હોવાની રજૂઆતો સામે આવી છે.
લાભાર્થીઓની માંગ છે કે જિલ્લા વિકાસ અધિકારી (DDO), તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ જિલ્લા કલેક્ટર આ સમગ્ર મામલે ધ્યાન આપી, પાત્ર લાભાર્થીઓના બાકી હપ્તા અને મજૂરીના નાણાં અંગે જરૂરી કાર્યવાહી કરે અને લોકોને વારંવાર કચેરીના ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે.