*ડાંગ જિલ્લામાં નવરાત્રી પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક, એસ.પી. પૂજા યાદવની આગેવાનીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ જિલ્લામાં આગામી નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવની આગેવાની હેઠળ યોજાયેલી બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ગરબા આયોજકો, શાંતિ સમિતિના સભ્યો, આગેવાનો તથા પોલીસ અધિકારીઓ સાથે નવરાત્રીના કાર્યક્રમો દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગરબા સ્થળોએ ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક નિયંત્રણ, મહિલાઓની સુરક્ષા, પાર્કિંગ વ્યવસ્થા તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.
એસ.પી. પૂજા યાદવે નવરાત્રી પર્વ દરમિયાન સૌ કોઈ કાયદો અને વ્યવસ્થાના નિયમોનું પાલન કરે તથા તહેવારને શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવે તે માટે સહકાર આપવા અપીલ કરી હતી.
પોલીસ તંત્ર દ્વારા નવરાત્રી દરમિયાન વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત રાખવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. સ્થાનિક આગેવાનો અને આયોજકોને કોઈપણ સમસ્યા કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.
ડાંગમાં નવરાત્રી પર્વ દરમિયાન શાંતિ, સુરક્ષા અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.