
*ડાંગના આહવા ખાતે તાલુકાકક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ઉત્સાહભેર સંપન્ન*
*૧૪ જેટલી સ્પર્ધાઓમાં ૫૦૦થી વધુ કલાકારોએ પોતાની કલાનું કર્યું પ્રદર્શન*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તાલુકાકક્ષાનો ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ડાંગના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આહવા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સહયોગથી યોજાયેલા આ કલા મહાકુંભમાં ડાંગ જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં રહેલી છૂપી કલાપ્રતિભાઓને મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કલાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
૧૪ જેટલી સ્પર્ધાઓમાં કલાકારોએ જમાવ્યો રંગ
કલા મહાકુંભ અંતર્ગત વિવિધ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને આવરી લેતી આશરે ૧૪ જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં નિબંધ, ચિત્રકળા, વકૃત્વ, તબલા, હાર્મોનિયમ, રાસ-ગરબા, લોકનૃત્ય, સુગમ સંગીત, ભજન, સમૂહગીત સહિતની સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.
૫૦૦થી વધુ કલાકારોની ભાગીદારી
તાલુકાકક્ષાની આ સ્પર્ધામાં ૫૦૦થી વધુ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને ડાંગના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના યુવા કલાકારોએ પોતાની આગવી પ્રતિભા રજૂ કરી ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
કલા મહાકુંભ જેવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે મંચ મળવાની સાથે ડાંગની સમૃદ્ધ લોકકલા, સંગીત અને સાંસ્કૃતિક પરંપરાને જાળવવા તથા નવી પેઢી સુધી પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. કાર્યક્રમના સફળ આયોજનથી કલાકારો તથા વાલીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.