
*‘ઓપરેશન મિલાપ’ હેઠળ વઘઈ પોલીસની ત્વરિત કામગીરી: સંવેદનશીલ સ્થિતિમાં યુવાનને સુરક્ષિત શોધી પરિવારને સોંપ્યો*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ (સાપુતારા)*
ડાંગ જિલ્લામાં ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાના હેતુસર પોલીસ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન વઘઈ પોલીસે એક સંવેદનશીલ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી એક યુવાનને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, વઘઈ બોટનિકલ ગાર્ડન વિસ્તારમાં એક યુવાને આત્મહાનિ અંગેનો વીડિયો પોતાના મિત્રને મોકલ્યો હોવાની ગંભીર માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન બંધ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વઘઈ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા દ્વારા તાત્કાલિક પોલીસ ટીમો બનાવી યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ ટીમે ટેકનિકલ માહિતી, મોબાઇલ સંબંધિત વિગતો તથા અન્ય તપાસના આધારે યુવાનનું સંભવિત લોકેશન મેળવી ત્વરિત શોધખોળ હાથ ધરી હતી. સતત પ્રયાસોના પરિણામે યુવાનને વાંસદા તરફ જતા માર્ગમાં સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો.
ત્યારબાદ યુવાનને વઘઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. પોલીસે તેને જરૂરી સમજણ અને કાઉન્સેલિંગ આપ્યું હતું. પોલીસની સમજાવટ બાદ યુવાને પોતાની સલામતી જાળવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તેના નજીકના મિત્રોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ યુવાનને તેમની સલામત દેખરેખમાં સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘ, સુરત વિભાગ તથા ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક કે. આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
વઘઈ પોલીસની ટીમની કામગીરી
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા, અ.હે.કો. જયરામભાઈ સિમગુભાઈ, અ.હે.કો. સંજયભાઈ રઘાભાઈ, અ.હે.કો. અશોકભાઈ ભાવસારભાઈ, પો.કો. પૃથ્વીરાજસિંહ જગુભા તથા વુ.પો.કો. કોમલબેન નાથાભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
વઘઈ પોલીસે સમયસર મળેલી માહિતીના આધારે તાત્કાલિક અને સંવેદનશીલ રીતે કામગીરી કરી યુવાનની સલામતી સુનિશ્ચિત કરી હતી. આ કામગીરી પોલીસની સતર્કતા અને જવાબદારીપૂર્ણ અભિગમનું ઉદાહરણ બની છે.