ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા કેન્દ્ર સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE)ની માર્ગદર્શિકા હેઠળ PM-KUSUM યોજનાના કોમ્પોનન્ટ-Bનો અમલ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ને આ યોજનાની સ્ટેટ નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જ્યારે સ્થાનિક વીજ વિતરણ કંપનીઓ દ્વારા યોજનાનો અમલ કરવામાં આવે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ એવા વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો છે, જ્યાં વીજળીનું ગ્રીડ કનેક્શન ઉપલબ્ધ નથી અથવા ટેકનિકલ અને વ્યવહારુ કારણોસર વીજ જોડાણ આપવું શક્ય નથી. આવા વિસ્તારોમાં ડીઝલ પંપ પર નિર્ભર ખેડૂતોને સોલાર પંપ ઉપલબ્ધ કરાવીને સિંચાઈ ખર્ચ ઘટાડવા અને ખેતીને વધુ સુલભ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
59 સોલાર પંપથી ખેડૂતોને સિંચાઈની સુવિધા
જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળના વિવિધ વિસ્તારોમાં કુલ 59 સ્ટેન્ડ અલોન ઓફ-ગ્રીડ સોલાર પંપ સેટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વિભાગીય કચેરી-1 હેઠળ 38, વિભાગીય કચેરી-2 હેઠળ 12 અને વેરાવળ વિભાગીય કચેરી હેઠળ 9 સોલાર પંપનો સમાવેશ થાય છે.
યોજના હેઠળ 1 હોર્સપાવરથી 10 હોર્સપાવર સુધીના DC તથા AC સબમર્સિબલ અને સરફેસ સોલાર પંપ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નાના અને સીમાંત ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળી રહે તે માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની સબસિડીથી ખેડૂતોને સહાય
નાયબ ઇજનેર ડી.એન. રૂપારેલિયાના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ સામાન્ય રીતે સોલાર પંપના ખર્ચમાં 30 ટકા કેન્દ્ર સરકારની સબસિડી, 30 ટકા રાજ્ય સરકારની સબસિડી અને બાકીના 40 ટકા ખર્ચની જવાબદારી ખેડૂતની રહે છે.
બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરીને અગ્રતા મેળવી શકે છે. આ ઉપરાંત, ટપક અને ફુવારા જેવી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા અથવા અપનાવનાર ખેડૂતોને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે.
જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં, જ્યાં નિયમ મુજબ ગ્રીડ વીજ જોડાણ આપવું ટેકનિકલી કે કોમર્શિયલી શક્ય નથી, ત્યાં લાગુ પડતા નિયમો અનુસાર ચાર્જની જોગવાઈ છે. નાયબ ઇજનેરના જણાવ્યા મુજબ, આવા વિસ્તારોમાં સામાન્ય અરજદારોને ફિક્સ ચાર્જ ભરવાનો રહે છે, જ્યારે SC અને ST વર્ગના અરજદારોને કોઈ ચાર્જ ભરવાનો રહેતો નથી.
