
ખેડૂતોની પ્રાકૃતિક પેદાશોનું સીધું વેચાણ; નાગરિકોને શુદ્ધ અને ઝેરમુક્ત ખેતપેદાશો મળી રહેવાનો પ્રયાસ
જૂનાગઢ: પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને નાગરિકોને શુદ્ધ તથા ઝેરમુક્ત ખેતપેદાશો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જૂનાગઢ જિલ્લા સેવા સદન ખાતે દર ગુરુવારે પ્રાકૃતિક કૃષિ હાટનું આયોજન કરવામાં આવે છે.
આ હાટમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, કઠોળ, શાકભાજી, ફળો સહિત વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. આ પહેલના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે સીધું બજાર મળી રહે છે.
ખેડૂતો દ્વારા ગ્રાહકોને સીધું વેચાણ કરવામાં આવતું હોવાથી વચેટિયાઓ પરની નિર્ભરતા ઘટાડવાની સાથે ગ્રાહકોને પણ પ્રાકૃતિક ખેતીની પેદાશો ખરીદવાની તક મળે છે. આ હાટ પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરવાની દિશામાં ઉપયોગી બની રહી છે.