
પ્રાથમિક સુવિધામાં વધારો થશે
– ભૌગોલિક સ્થિતિના આધારે નવા સીમાંકનની કાર્યવાહી કરાશે : મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક
તારાપુર : ગુજરાત સરકાર દ્વારા તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો અપાયો છે. ત્યારે મામલતદરારની વહિવટદાર તરીકે નિમણૂક કરી દેવાઈ છે.
તારાપુર ગામમાં વિકાસ માટે ગ્રામ પંચાયતને પાલિકાનો દરજ્જો આપવા અગાઉ રજૂઆત કરાઈ હતી.
ત્યારે આજે ગુજરાત સરકારે તારાપુર ગ્રામ પંચાયતને પાલિકાનો દરજ્જો આપવા મંજૂરીની મહોર મારી દીધી છે. પાલિકાનો દરજ્જો મળતા તારાપુરના સર્વાંગી વિકાસની આશા બંધાઈ છે.
તારાપુર ગ્રામ પંચાયતમાંથી ‘ક’ વર્ગની નગરપાલિકા ઘોષિત કરાઈ છે. તારાપુર નગરપાલિકા રાજ્યની ૧૫૦મી પાલિકા બની છે. હાલ તારાપુર ગ્રામ પંચાયતમાં ૧૯ સભ્યો છે. છેલ્લા દોઢેક વર્ષથી વહીવટદારનું શાસન હતું.
ત્યારે હવે ભૌગોલિક વ્યાપના આધારે નવા સીમાંકનની કાર્યવાહી પણ હાથ ધરાશે. તારાપુરમાં નગરપાલિકાના દરજ્જો મળવાથી જાહેર આરોગ્ય, સ્વચ્છતા, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓના કામને વેગ મળશે. તારાપુર નગરપાલિકાના પહેલા વહીવટદાર તરીકે તારાપુર મામલતદાર જે.જે. તળપદાને ઓર્ડર મળતા આજે સાંજે સાત વાગ્યે વહીવટદાર તરીકેનો તેમણે ચાર્જ પણ લઈ લીધો હતો.
બ્યુરો ચીફ આણંદ : હરિકિશનસિંહ રાજપૂત