*ડાકણ પ્રથા સામે ડાંગ પોલીસનો “પ્રોજેક્ટ દેવી” અસરકારક*
ઝાકિર ઝંકાર | આહવા, તા. ૧૬
ડાંગ જિલ્લામાં ડાકણ પ્રથા અને અંધશ્રદ્ધા જેવી ગેરમાન્યતાઓ દૂર કરવા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “પ્રોજેક્ટ દેવી” શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભોગ બનનાર મહિલાઓના રક્ષણ માટે પોલીસની શી ટીમ તૈનાત કરી તેમને કાયદાકીય સહાય, પોલીસ રક્ષણ તથા સરકારી યોજનાઓનો લાભ અપાવવામાં આવી રહ્યો છે.
પ્રોજેક્ટ દેવી દ્વારા અત્યાર સુધી જિલ્લામાં ૭૦થી વધુ મહિલાઓને માનસિક, સામાજિક અને કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. આ સંવેદનાસભર કામગીરી બદલ ડાંગ પોલીસને વર્ષ ૨૦૨૪માં પ્રતિષ્ઠિત ‘ગોલ્ડ સ્કોચ એવોર્ડ’ પ્રાપ્ત થયો છે.
ભોગ બનનાર મહિલાઓએ જણાવ્યું છે કે, પોલીસના સહયોગ બાદ તેમનું જીવન બદલાઈ ગયું છે અને હવે તેઓ નિર્ભય બની જીવન જીવી રહી છે.