

*ડાંગ જિલ્લામાં વધુ ૮ હનુમાનજી મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન*
*ઝાકિર ઝંકાર | આહવા | તા. ૨૩*
ડાંગ જિલ્લામાં વિશ્વવિખ્યાત ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK)ની ફિલાન્થ્રોપિક શાખા *SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF)* તથા *શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના સહયોગથી ડાંગ જિલ્લાના બોરપાડા, મલિન, બાજ, બોરદહાડ, આંબાપાડા, ચિરાપાડા, મોટામાળુંગા અને ગુંદીયા એમ કુલ ૮ ગામોમાં શ્રી હનુમાનજી મહારાજ મંદિરોના લોકાર્પણ તથા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ* તારીખ ૧૭ અને ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ભવ્ય અને ધાર્મિક ઉત્સાહભર્યા માહોલમાં યોજાયા હતા.
આ પાવન પ્રસંગે *શ્રી ક્ષેત્ર વાલ્મિકી ધામના પીઠાધીશ્વર પરમપૂજ્ય રાષ્ટ્રીય સંત બાલયોગી ઉમેશનાથજી મહારાજ*, સાથે સાથે શ્રી પારુલભાઈ કાકડિયા (નિશાંત એન્ટરપ્રાઈઝ પ્રા. લિ., વડોદરા), શ્રી રાજેશભાઈ પીઠડીયા (પર્યાવરણ સલાહકાર, વડોદરા), શ્રી હરિભાઈ જાસોલિયા (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, વડોદરા), શ્રી સતીષભાઈ વિરડિયા (બિલ્ડર, વડોદરા), શ્રી ધીરુભાઈ બુહા (GST સલાહકાર, વડોદરા), SRK ફેમિલી મેમ્બર્સ તથા મોટી સંખ્યામાં ડાંગવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*શ્રી ગોવિંદકાકાની પ્રેરણા અને આશીર્વાદ હેઠળ*, SRKKF દ્વારા ડાંગ જિલ્લાના આશરે સવા બે લાખ લોકોના જીવન ઉત્થાન માટે *૩૧૧ હનુમાનજી મંદિરોના નિર્માણનો સંકલ્પ* લઈને ‘હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મંદિરો માત્ર ધાર્મિક આસ્થા કેન્દ્ર નહીં પરંતુ ભક્તિ, સેવા, સ્મરણ તેમજ ગામજનોની એકતા, ભજન-ભક્તિ અને સંસ્કારનું કેન્દ્ર બનશે એવી ભાવનાથી આ પહેલ કરવામાં આવી છે.
હાલ સુધીમાં *કુલ ૧૬૭ હનુમાનજી મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા સફળતાપૂર્વક પૂર્ણ* થઈ ચૂકી છે. ગામના વિસ્તાર અને વસતીના આધારે *બાહુબલી, મહાબલી અને મારુતિ* એમ ત્રણ પ્રકારના મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે, જે શક્તિ, ભક્તિ અને સેવાની અનોખી અભિવ્યક્તિ રજૂ કરે છે.