
વઘઇ પોલીસની મોટી સફળતા: વન વિભાગના કર્મચારીની હત્યા કરી ભાગી છૂટેલા ત્રણ લાકડાચોરોને ગણતરીના દિવસોમાં જેલભેગા કર્યા
રિપોર્ટર: ઝાકિર ઝંકાર
ડાંગ (આહવા):તા,૪
ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ ૩૧/૦૧/૨૦૨૬ના રોજ બોરીગાંઠા ગામે વન વિભાગના એક નિષ્ઠાવાન કર્મચારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ અતિ ગંભીર અને પડકારજનક (બ્લાઈન્ડ) કેસનો ભેદ ઉકેલવામાં ડાંગ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.આર. ડીમરીના સીધા માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ અને LCBની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.
મરણજનાર સતીભાઈ ગનસુભાઈ બીરારી (ઉ.વ. ૫૩), જેઓ ફોરેસ્ટ વિભાગમાં કાયમી રોજમદાર તરીકે બારખાંધ્યા નાકા પર ફરજ બજાવતા હતા. ગત ૩૧મી જાન્યુઆરીની રાત્રે આશરે દોઢ વાગ્યે જ્યારે તેઓ નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બોરીગાંઠા ગામ પાસે ત્રણ સાયકલો પર ગેરકાયદેસર લાકડા ચોરીને લઈ જતા શખ્સોને તેમણે અટકાવ્યા હતા. પકડાઈ જવાની બીકે આ લાકડાચોરોએ સતીભાઈ સાથે ઝઘડો કરી, વાંસના ડંડા વડે માથાના ભાગે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી નાસી છૂટ્યા હતા.
આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા LCB અને સ્થાનિક પોલીસની કુલ ૧૦ ટીમો બનાવવામાં આવી હતી. અંદાજે ૧૦૦ જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ અને GRD જવાનોએ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં અત્યાધુનિક ડ્રોન કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉ પકડાયેલા લાકડાચોરોની મોડસ ઓપરેન્ડીના આધારે પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પ્રવિણભાઈ ઉર્ફે પરેશભાઈ સોમાભાઈ પવાર હેમંતભાઈ સુકીરાવભાઈ મોતાભાઈ અને ઋત્વીકભાઈ મંજુભાઈ પવાર ત્રણે રહે. કોસીમપાતળની ધરપકડ કરવામા આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ તમામ આરોપીઓ જંગલમાંથી સાગના લાકડા ચોરીને જઈ રહ્યા હતા. જો તેઓ પકડાઈ જાય તો મોટું આર્થિક નુકસાન થાય તેમ હોવાથી, તેમણે ઈરાદાપૂર્વક કર્મચારી પર હુમલો કર્યો હતો.
આ ગુનાનો ભેદ ઉકેલનાર પી.આઈ. વી.કે. ગઢવી, પી.એસ.આઈ. એમ.એસ. રાજપુત, LCB પી.એસ.આઈ. જે.જી. અનડકટ અને તેમની ટીમને માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંઘ અને પોલીસ અધીક્ષક સુશ્રી પૂજા યાદવે વ્યક્તિગત રીતે મળીને અભિનંદન પાઠવ્યા હતાં.