
*ડાંગ દરબાર – રાજા રજવાડાઓની રસપ્રદ વાતો*
–
*ડાંગી રાજાઓના વિદ્રોહો (૧૯૦૭-૧૯૧૪)*
–
રિપોર્ટ:
ઝાકિર ઝંકાર:આહવા: તા: ૨૨
ડાંગી રાજ્યોનો ઉપલક ઈતિહાસ જોયા પછી બ્રિટિશ કાળમાં તેમણે કરેલા વિદ્રોહોનો રસપ્રદ ઈતિહાસ જોઈએ. ભારતમાં આદિવાસીઓએ અંગ્રેજી રાજમાં જેટલી વ્યથા અને અસુવિધાઓ ભોગવી હતી તેવી પૂર્વે ક્યારેય ભોગવી ન હતી. કારણ કે બ્રિટિશ શાસન પૂર્વે આદિવાસીઓ પ્રકૃતિના ખોળે તેમનું સ્વાયત્ત અને સ્વાવલંબી જીવન જીવતા હતા. પરંતુ અંગ્રેજોના રાજમાં જળ, જમીન અને જંગલ જેવી કુદરત અર્પિત બાબતો પર પણ એકાધિકાર સ્થાપવાની શરૂઆત થઈ હતી. મૂડીવાદી બ્રિટિશ શાસનના આશ્રયે આદિવાસીઓનો શોષણખોર વર્ગ પણ તૈયાર થયો હતો. સમગ્ર મૂડીવાદી શ્રૂઁખલા વિરુદ્ધ ડાંગી રાજાઓએ શ્રેણીબદ્ધ વિદ્રોહો કર્યા હતા. તેનો પહેલો પુરાવો ગાઢવીના રાજા દેવીસિંહ શિલપતે પૂરો પાડયો હતો.
ઈ.સ.૧૮૨૫માં બાગલાણ પાસે ગંભીર બળવો ઊભો થયો.તેનું કારણ એક સ્થાનિક જમીનદારે ખોટા દસ્તાવેજો ઊભા કરી ડાંગ પ્રદેશના ભીલોની જમીન હડપવાનો પ્રયત્ન કર્યો હતો. તેની પ્રતિક્રિયારૂપે સમગ્ર ડાંગ અને ખાનદેશ પ્રદેશમાં અફડાતફડી મચી ગઈ. વડોદરાના ગાયકવાડે લશ્કર મોકલી ડાંગી રાજાઓને દબાવવાના પ્રયત્નો કર્યા પરંતુ તેનાથી સ્થિતિ વધુ ગંભીર બની. પરિસ્થિતિને થાળે પાડવા અંગ્રેજોએ હસ્તક્ષેપ કર્યો. લેફટનન્ટ આઉટ્રમે ભીલ સેનાની રચના કરી જેનું નામ ‘ખાનદેશ ભીલ પટલન’ રાખવામાં આવ્યું. જેની સંખ્યા ૬૦૦ હતી. બ્રિટિશ સત્તાએ ખાનદેશના નંદુરબાર, સુલતાનપુર અને પિમ્પલનેર એવા ત્રણ વિભાગો પડી તેનો વહીવટ સીધો બ્રિટિશ નિયંત્રણમાં રાખ્યો. અંગ્રેજ આધિપત્ય સામે ડાંગી રાજાઓ વધુ આક્રમક બન્યા હતા. તેમણે સુલતાનપુર, નવાપુર વગેરે સ્થળો પર હુમલાઓ કરી અંગ્રેજ સૈન્યને ત્રાહિમામ પોકારાવી દીધું. તેની આગેવાની ગાઢવીના રાજા દેવીસિંહ શિલપતે લીધી હતી. તેની પાસે ભીલ સૈનિકોનું બનેલું આશરે ૧૫૦નું સૈન્ય હતું. ગાઢવીના તેના જંગલોની આવક પણ વાર્ષિક પાંચ હજાર રૂપિયા જેટલી હતી. તેણે ડાંગનાં અભેદ્ય જંગલોનો સાનુકૂળ ફાયદો ઉઠાવી બ્રિટિશ સૈનિકોને ધોળા દિવસે તારા દેખાડી દીધા. ટૂંકમાં દેવીસિંહ શિલપત અંગ્રેજો કે બહારના કોઈ પણ આક્રમણખોરો વિરુદ્ધ ઢાલ સમાન હતો. શિલપત અંગ્રેજો સામે બહાદુરી અને ખુમારીપૂર્વક લડયો પરંતુ ખાનદેશ ભીલ પલટન અને ખાસ તો અંગ્રેજોની કુટિલ નીતિઓથી તે પકડાયો અને તેનું અંગ્રેજોને ખદેડવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું. ગાઢવીનો શિલ્પત રાજા ભલે તેની લક્ષ્યપ્રાપ્તિમાં અસફળ રહ્યો પરંતુ તેનાં સાહસ અને ખુમારીને લઈ આજે પણ લોકગીતો દ્વારા ડાંગી પ્રજામાં હયાત છે. તેના અપ્રતિય સાહસ અને પરાક્રમની ગાથા નીચેના ડાંગી ગીતમાં વ્યક્ત થઈ છે.
“ધન ધન ધન ધન વાજત આના ર,
(વાજાં વગાડતાં શિલપત રાજા આવે છે.)
રાજા શિલપતના નગારકાર આના ર,
(શિલપત રાજાના નગારચી આવી રહ્યા છે)
ખબર ખરી સુને રાનલા ર, (શાંત જંગલને ખબર પડી.)
બરીટીસરસી પલટન આની ર” (અંગ્રેજોની પલટન આવી ચડી છે.)
ઈક ધર્નુલા અંગરજ થરથરલા,
(તેના ધનુષ-બાણથી અંગ્રેજો થરથર કાંપે છે.)
ભીલ શિલપતના સિપાઈ આના ર,
(શિલપત રાજાના સૈનિકો આવી રહ્યા છે)
એક પાઉલ રાજા શિલપત ચાલત,
(શિલપત રાજા એક ડગલું આગળ વધે છે)
સેબર પાઉલ અંગરજ પોળત (અંગ્રેજો સો ડગલાં પાછળ ખસે છે.)
ડાંગની રાજાઓની આજેયતા નીચેની પંકિતમાં પ્રતિબિંબત થઈ છે
“અખા દેશ હરવલા, ડાંગ મુલખ નાહી હરવલા ”
(અંગ્રેજોએ આખા દેશને હરાવેલો પણ ડાંગને નહિ)
અન્ય એક ગીતમાં ડાંગી પ્રજા સહિયારી રીતે અંગ્રેજોને સ્વરાજ્યનો સંદેશો આપે છે :
“આમના ડાંગ, નિંગા (ભાગો) અંગરજ,
કુનબીના ડાંગ, નિંગા અંગરજ,
ભીલના ડાંગ, નિંગા અંગરજ,
વારલીના ડાંગ, નિંગા અંગરજ,
આમના ઝાડી-જંગલ, નિંગા અંગરજ”
ગીતનો ભાવ એમ છે કે ડાંગ કુનબી, ભીલ અને વારલીઓનું છે, અહીંનાં જંગલો પર અધિકાર અમારો છે માટે અંગ્રેજો અહીંથી ભાગો. મહાત્મા ગાંધીએ તો ઠેઠ ૧૯૪૨માં અંગ્રેજોને ભારત છોડવાનું કહ્યું હતું જ્યારે અહીં ડાંગી પ્રજા તેનાં સો વર્ષ પહેલાં અંગ્રેજોને ખદેડવાની વાત કરે છે.
શિલપત રાજાની કહાની પૂરી થઈ હતી પરંતુ ડાંગી રાજાઓની સ્વતંત્રતાની ઝંખના સમાપ્ત થઈ ન હતી. તેના પછી તરત જ સુખિયા નાયક, ઈશાનિયા અને રાજા નવલુએ અંગ્રેજો સામે વિદ્રોહોની બાગડોર સંભાળી હતી. ડાંગી રાજાઓની વિદ્રોહી પરંપરા ૧૯૧૪ સુધી અવિરત ચાલતી રહી હતી.
૨૦મા સૈકામાં ડાંગી રાજાઓનો પહેલો બળવો ૧૯૦૭ના સપ્ટેમ્બર મહિનામાં થયો હતો. ડાંગના અમલાના રાજાનો સ્થાનિક કિસાનો પર મૃત્યુ વખતે બળદની એક જોડી પરંપરારૂપે અપાતી હતી. તેની સામે ફરિયાદ રૂપે એક કિસાને ડાંગના દીવાનની મદદ માંગી. પરિણામે થયેલા સંઘર્ષમાં પોલીસે રાજાના છોકરા અને તેના સાથીઓને સખ્ત માર માર્યો. દીવાનના પગલાં વિરુદ્ધ ભીલોએ હથિયારો સાથે બદલો લેવા આહવા તરફ પ્રયાણ કર્યું. ભીલોની કૂચ આહવા આવવાની વાત સાંભળીને દીવાન અંગ્રેજોની મદદ માટે સુરત ભણી ભાગ્યો. દીવાન ભાગી ગયો છે તેવી ખબર મળતા ભીલોએ આહવામાં સરકારી કચેરીઓમાં તોડફોડ કરી. ફાઈલો અને ચોપડાઓ ફાડી નાંખ્યાં, કચેરીનું રાચરચીલું તોડી નાંખ્યું. આહવામાં બળવાના સમાચાર મળતાં જ અંગ્રેજ અધિકારી હોડગ્ટન અને પેન્ટરે સૈન્ય સાથે આહવાની વાટ પકડી. તેમણે ૧૦ વિદ્રોહીઓની ધરપકડ કરી. અને અમલાના રાજાની જંગલ લીઝની રકમ વિદ્રોહના કારણે થયેલી નુકસાની પેટે કાપી લેવામાં આવી. આમ ૧૯૦૭નો બળવો ડાંગના પક્ષે વિઘાતક નીવડ્યો હતો.
ડાંગમાં બીજો બળવો ૧૯૧૧માં થયો હતો. તેનું કારણ ભીલો અને જંગલ ખાતા વચ્ચેની તકરાર હતી. એક ભીલે ઝૂપડું બાંધવા જરૂરી લાકડું મેળવવા જંગલ ખાતાના અધિકારી પાસે માંગણી કરી પરંતુ કદમલના આદિવાસી જમીનદારે તેને પ્રોત્સાહન આપી જંગલમાંથી સાગ લેવા કહ્યું તેના વિવાદે હિંસક સ્વરૂપ લીધું. તેમના સમર્થનમાં બીજા રાજાઓ અને તેમના સહયોગીઓ આવતા ગયા અને બળવાનું સ્વરૂપ વિસ્તરતું ગયું હતું. બળવાને કચડી નાખવા સુરતથી સશસ્ત્ર પોલીસદળ મોકલવામાં આવ્યું. બળવાના સૂત્રધાર સુકરિયા અને તેના ૧૧ સાથીઓને પકડવામાં આવ્યા. સુકરિયાને બે વર્ષની સજા અને બસો રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો. અને લાંબા સમય સુધી ડાંગમાં સુરક્ષા માટે પોલીસ રાખવામાં આવી હતી. આમ બીજા બળવા પછી ડાંગ ઉપર બ્રિટિશ સખ્તાઈ વધી હતી. વિશેષમાં ડાંગમાં ભીલો અને કુણબીઓ વચ્ચે ભાગલા પડાવી ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ આદિવાસીઓ સુધી વિસ્તારી હતી.
૧૯૧૪માં ડાંગી પ્રજાએ ત્રીજો બળવો ઉઠાવ્યો હતો. તેનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફેલાયેલી અફવા હતી. અફવા એવી હતી કે યુદ્ધમાં અંગ્રેજો ભૂંડી રીતે હારી રહ્યા છે. તે પછી ડાંગી રાજાઓને લાગ્યું કે આપણી સત્તા પછી મેળવવાનો શ્રેષ્ઠ મોકો છે. તેની નેતાગીરી પિંપરીના નાયકે લીધી. ગાઢવી અને અમલાના સરદારોએ પણ તેમાં મદદ કરી. ભીલોની ટુકડીઓએ તીરકામઠાં સાથે ઉત્પાત મચાવી દીધો. તેમની હિંસાનો ભોગ જંગલ ખાતાના અધિકારીઓ પણ બન્યા. સુરતના કલેકટરે બળવાને દબાવી દેવા એકસો પોલીસોનું દળ ડાંગ રવાના કર્યું. તેઓ જંગલ અને ડાંગના પહાડોના ભોમિયા હતા. વહીવટી સખ્તાઈથી વિદ્રોહ ટૂંક જ સમયમાં શાંત પડી ગયો. પિંપરીના નાયકને પકડી તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી. તેને છ મહિના કેદની સજા થઈ. અને બીજા સિત્તેર ડાંગીઓને પણ જેલની સજા કરવામાં આવી. અલબત્ત ગાઢવીનો રાજા અંગ્રેજોના શરણે થયો ન હતો. આમ ૧૯૧૪નો વિદ્રોહ ડાંગી રાજાઓનો અંતિમ વિદ્રોહ બન્યો.
ડાંગી રાજાઓના વિદ્રોહો ભલે નિષ્ફળ રહ્યા પરંતુ તેઓ સરળતાથી બ્રિટિશ સત્તાને તાબે થયા ન હતા. તેમના સતત વિદ્રોહોને કારણે અંગ્રેજોએ અન્ય મેદાની વિસ્તારો જેવો કબજો ડાંગ પર કરવાનો વિચાર પડતો મૂકવો પડયો હતો. ડાંગી રાજાઓના માન-સન્માન અને તેમને મળતા સાલિયાણાની રકમમાં ઉત્તરોત્તર વધારો કરવો પડયો. બ્રિટિશરાજના બધા પ્રયાસો છતાં ભીલ રાજાઓ આજ્ઞાંકિત શાસકોની કક્ષામાં ન બિરાજ્યા અને આઝાદી આવી ત્યાં સુધી ડાંગ પ્રદેશનું સ્વતંત્ર વિસ્તાર તરીકેનું અસ્તિત્વ જળવાઈ રહ્યું હતું. ડાંગ દરબાર ભલે ભીલ રાજાઓ પ્રત્યે અંગ્રેજોની કૂટનીતિ હોય પરંતુ આજે ડાંગ દરબાર, ડાંગની જ નહિ સમગ્ર ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત બની છે.
–