


*દાહોદના ઝેરજીતગઢ પાસે હાઈવે કામગીરીની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરતા કેબીનેટ મંત્રીશ્રી નીતિન ગડકરી*
આજરોજ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ઝેરજીતગઢ પાસે હાઈવેના ચાલી રહેલા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કામગીરી સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
દાહોદ જિલ્લામાં ભારતમાલા પરિયોજના હેઠળ દિલ્હી–વડોદરા ગ્રીનફિલ્ડ એલાઇનમેન્ટ (NH-148N) ના EPC પેકેજ-૨૬ અંતર્ગત આઠ લેનના એક્સેસ-કન્ટ્રોલ્ડ એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ હાથીયાવણ ગામ નજીક હડફ નદીના પુલ પછીથી શરૂ થઈ અંદાજે ૩૨.૮૩૫ કિમી સુધી વિસ્તરેલો છે.
પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત રૂ. ૧,૦૩૮.૯૯ કરોડ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ એટલાસ કન્સ્ટ્રક્શન્સ પ્રા. લિ. અને એન.કે.સી. પ્રોજેક્ટ્સ પ્રા. લિ. (જોઇન્ટ વેન્ચર) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ દરમ્યાન દાહોદ જિલ્લા કલેકટરશ્રી સુરભી ગૌતમ, દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષકશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, પ્રાંતશ્રી લીમખેડા, મામલતદારશ્રી લીમખેડા, નેશનલ હાઈવે સ્ટાફ સહિત સંલગ્ન તમામ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ એક્સપ્રેસ-વેના નિર્માણથી દાહોદ સહિત પૂર્વ ગુજરાતમાં ઝડપી અને સુરક્ષિત માર્ગ પરિવહનને પ્રોત્સાહન મળશે. ઉપરાંત મુસાફરીનો સમય ઘટશે, વેપાર-વાણિજ્યને વેગ મળશે અને સમગ્ર વિસ્તારના સામાજિક તથા આર્થિક વિકાસને નવી દિશા મળશે.
*હસમુખ પ્રજાપતિ*