

*ત્રણ વર્ષથી પાણીયા રેલ્વે બ્રિજનુ કામ અધૂરું ,સર્વિસ રોડ અત્યંત બિસ્માર; તાત્કાલિક કાર્યવાહી માટે લોકોની માંગ*
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે રેલવે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયાને લગભગ ત્રણ વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં કામ હજુ અધૂરું છે. તેના કારણે બ્રિજની બાજુમાં આવેલો સર્વિસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. મોટા અને ઊંડા ખાડાઓમાં પાણીથી ભરાયેલા આ માર્ગ પર દરરોજ વાહનચાલકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બની રહ્યા છે.
ચોમાસામાં વરસાદી પાણી ખાડાઓને ઢાંકી દેતાં અકસ્માતનું જોખમ અનેકગણું વધી ગયું છે. ખાસ કરીને રાત્રિના સમયે બાઈકચાલકો અને નાના વાહનો માટે આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
આ માર્ગ પાણીયા નેશનલ હાઈવે ને બાંડીબાર, લુખાવાડા કેસરપુર શિંગવડ સંજેલી, ફતેપુરા તેમજ આસપાસના વિસ્તારો સાથે જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. તેમ છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનો અને વાહન ચાલકો ની માંગ છે કે અધૂરું રેલવે બ્રિજનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેમજ સર્વિસ રોડના જીવલેણ ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને.
*હસમુખ પ્રજાપતિ*