
બોટાદ હીરા બજાર ચોરી કેસ: માત્ર ૭ કલાકમાં ૧૦૦% મુદ્દામાલ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ પોલીસ
રિપોર્ટર: નરેન્દ્ર મકવાણા
બોટાદ / બાવળા:
બોટાદ શહેરના નીલમ હીરા બજારમાં આવેલી દુકાનમાંથી ચોરાયેલા ₹૪૩,૧૧,૦૦૦ ની કિંમતના આશરે ૧૪૩૭ કેરેટ તૈયાર હીરાની ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ટ્રેન મારફતે ભાગી રહેલા મુખ્ય મહિલા આરોપી સહિત ૩ તસ્કરોને બાવળા રેલવે સ્ટેશન ખાતેથી ૧૦૦% મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત
બોટાદના નીલમ શોપિંગ સેન્ટરમાં વેપારી અશોકભાઈ ઝવેરભાઈ કણકોટિયાની ઓફિસ નંબર ૧૩ માં રવિવારની રજા હોવાથી હીરા બજાર બંધ હતી. બપોરના આશરે ૧૩:૦૭ થી ૧૩:૨૩ કલાક દરમિયાન ભિખારીના સ્વાંગમાં આવેલી એક મહિલા ઓફિસના ટેબલનું લોક તોડી અલગ-અલગ પડીકાં તથા કોથળીઓમાં રાખેલ આશરે ૧૪૩૭ કેરેટ તૈયાર હીરા (કિંમત ₹૪૩,૧૧,૦૦૦/-) ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.
ટેકનિકલ તપાસ અને ગોલ્ડન અવર કોઓર્ડિનેશન
બોટાદ ‘નેત્રમ’ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના CCTV ફૂટેજ અને રિક્ષાચાલકોની પૂછપરછના આધારે આરોપીઓ સાંજે ૧૭:૦૦ વાગ્યાની બોટાદ-અમદાવાદ લોકલ ટ્રેનમાં સવાર થયા હોવાની વિગત મળી હતી.
આરોપીઓ જિલ્લો વટાવી રહ્યા હોવાથી બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માએ તાત્કાલિક અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટનો સીધો સંપર્ક સાધી સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ડીવાયએસપી (ધોળકા વિભાગ) પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એલસીબી અને બાવળા પોલીસે બાવળા રેલવે સ્ટેશન ખાતે સફળ કોર્ડન ગોઠવી ટ્રેનમાંથી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ
બયુભાઈ રમુભાઈ સાડમીયા (ઉં.વ. ૫૫, રહે. કાલાવાડ, જિ. જામનગર)
વિનાભાઈ ધીરૂભાઈ ઉર્ફે ધારૂભાઈ જેલીયા (ઉં.વ. ૩૦, રહે. બોટાદ)
સપનાબેન બયુભાઈ સાડમીયા (ઉં.વ. ૩૧, રહે. કાલાવાડ, જિ. જામનગર – CCTVમાં જણાયેલ મુખ્ય ચોરી કરનાર મહિલા)
કબ્જે કરેલ મુદ્દામાલ
તૈયાર હીરા: બોટાદ નીલમ હીરા બજારમાંથી ચોરાયેલ ૧૪૩૭ કેરેટ (કુલ કબ્જે ૧૮૮૫.૭૫ કેરેટ) – કિંમત ₹૪૩,૧૧,૦૦૦/-
મોબાઇલ ફોન: સેમસંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોન – કિંમત ₹૨,૦૦૦/-
રોકડ રકમ: અંગઝડતીમાંથી મળેલ ₹૪,૧૮૦/-
કુલ મુદ્દામાલ કિંમત: ₹૪૩,૧૭,૧૮૦/-
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઝડપી અને સફળ કામગીરી બદલ અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ પોલીસ ટીમની પ્રશંસા થઈ રહી છે.