અઃ

*આહવા પંથકમાં રખડતા ઢોર સામે પંચાયતની કાર્યવાહી, 45 જેટલા પશુઓ પાંજરાપોળ ખસેડાયા*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરને કારણે સર્જાતી અડચણો અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 20 દિવસથી ગ્રામ પંચાયતની કસ્ટડીમાં રંગ ઉપવનના મેદાન ખાતે રાખવામાં આવેલા રખડતા ઢોરોમાંથી આજે 45 જેટલા પશુઓને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી (TDO), પશુપાલન અધિકારી તથા તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. અગાઉ પશુપાલકોને પોતાના પશુઓને રખડતા ન છોડવા માટે લેખિત તેમજ મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પશુઓને પરત લઈ જવામાં ન આવતા જિલ્લા પંચાયતની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
તંત્ર દ્વારા આહવા તથા આસપાસના પશુપાલકોને પોતાના પશુઓને રસ્તા પર છૂટા ન મૂકવા અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં રસ્તા પર રખડતા પશુઓ મળી આવશે તો તેમને કસ્ટડીમાં લઈ પાંજરાપોળ મોકલવા ઉપરાંત નિયમ મુજબ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને થતી મુશ્કેલી અને સંભવિત અકસ્માતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.