

*આહવા સિવિલ હોસ્પિટલનો મોટો છબરડો: વલસાડના સહી-સિક્કા વગરના અધૂરા મેડિકલ રિપોર્ટના આધારે જ દિવ્યાંગતા પ્રમાણપત્ર ઈશ્યુ કરી દીધું!*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ જિલ્લાની આહવા જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ના વહીવટી અને તબીબી તંત્રની એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. સરકારી નિયમો નેવે મૂકીને, દસ્તાવેજોની પૂરતી ચકાસણી કર્યા વિના જ સત્તાવાર સહી-સિક્કા વિનાના તબીબી રિપોર્ટ્સને આધારે સરકારી દિવ્યાંગતા પ્રમાણપત્ર (Disability Certificate) ઇશ્યુ કરી દેવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત દસ્તાવેજો અને વિગતો અનુસાર, મયંકભાઈ શિવરામભાઈ ચૌધરી નામના અરજદારને આહવા જનરલ હોસ્પિટલ (ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર, ડાંગ) દ્વારા ૬૨% સાંભળવાની ક્ષતિ ધરાવતું ૫ વર્ષની મુદતવાળું ‘ટેમ્પરરી ડિસેબિલિટી સર્ટિફિકેટ’ આપવામાં આવ્યું છે. પરંતુ સૌથી મોટી ખામી એ છે કે આ પ્રમાણપત્ર જે મેડિકલ રિપોર્ટના આધારે આપવામાં આવ્યું છે, તે જીએમઈઆરએસ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ, વલસાડના ઈ.એન.ટી. (ENT) વિભાગના ઓડિયોગ્રામ અને ઓપીડી (OPD) રિપોર્ટમાં નીચે ‘ઓથોરાઇઝ્ડ સિગ્નેટરી’ (Authorised Signatory) ની જગ્યા ખાલી છે, એટલે કે તેમાં જવાબદાર ડોક્ટરની કોઈ જ સહી કે સિક્કો નથી.
આહવા હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ વિભાગના ‘સ્પેશિયાલિસ્ટ રેફરલ ફોર્મ’માં વલસાડ હોસ્પિટલના આ જ રિપોર્ટને ટાંકીને “Bilateral temporary Hearing loss 62%” નોંધી દેવામાં આવ્યું છે. આમ, વલસાડ હોસ્પિટલના સહી-સિક્કા વગરના, અધૂરા અને કાયદાકીય રીતે અમાન્ય ગણાય તેવા દસ્તાવેજોને આહવા સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ આંખ બંધ કરીને માન્ય રાખી લીધા અને તેના પરથી સત્તાવાર ઈ-સર્ટિફિકેટ પણ જનરેટ કરી દીધું.
કોઈપણ સરકારી પ્રમાણપત્ર આપતા પહેલા મૂળ તબીબી રિપોર્ટની ખરાઈ કરવી અને તેમાં તબીબના સહી-સિક્કા તપાસવા એ અત્યંત પ્રાથમિક નિયમ છે, જેનો આહવા હોસ્પિટલમાં સરેઆમ ભંગ થયો છે. આ ઘટના દર્શાવે છે કે આહવા સિવિલ હોસ્પિટલમાં દસ્તાવેજોની ચકાસણીમાં કેટલી મોટી પોલ ચાલી રહી છે. જો સહી વગરના કાચા રિપોર્ટ પરથી સરકારી પ્રમાણપત્રો બની શકતા હોય, તો આરોગ્ય તંત્રની કામગીરી સામે શંકાની સોય ચિંધાય તે સ્વાભાવિક છે. આ ગંભીર છબરડા અને નિયમોના ઉલ્લંઘન મામલે જવાબદાર અધિકારીઓ સામે ઉચ્ચ સ્તરેથી તપાસ થાય અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઊઠી છે.