
*સુબીર તાલુકાના પીપલદહાડમાં વારંવાર વીજ કાપથી ગ્રામજનો પરેશાન*
*ડીમ લાઈટના કારણે ખેડૂતોની સિંચાઈ કામગીરીને પણ અસર, વીજ પુરવઠો નિયમિત કરવા માંગ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર * ડાંગ (સુબીર),*
ડાંગ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પીપલદહાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી વારંવાર વીજ કાપ અને ડીમ લાઈટની સમસ્યાને કારણે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. વીજ પુરવઠો અવારનવાર ખોરવાતા ઘરવપરાશ ઉપરાંત ખેડૂતોની ખેતીની કામગીરીને પણ અસર થઈ રહી છે.
વરસાદમાં વિરામ બાદ હાલ ખેડૂતોને ખેતરોમાં પાણી ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ચોમાસુ ડાંગર, વરાઈ સહિતના વિવિધ પાકો માટે પાણીની અત્યંત આવશ્યકતા હોવા છતાં ડીમ લાઈટ અને વારંવાર વીજ કાપના કારણે પાણીની મોટરો તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો યોગ્ય રીતે ચાલુ થઈ શકતા નથી. જેના પગલે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, વીજ પુરવઠા અંગેની સમસ્યાને લઈને સુબીર ખાતેની સંબંધિત કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય નિરાકરણના બદલે ગોળગોળ જવાબો મળતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે વીજ લાઈનો અને સાધનોનું સમયસર યોગ્ય મેન્ટેનન્સ ન થવાને કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. જોકે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા જરૂરી છે.
પીપલદહાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામજનોની હાલાકી દૂર કરવા વીજ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી વીજ લાઈનોનું મેન્ટેનન્સ હાથ ધરી ડીમ લાઈટ તથા વારંવાર વીજ કાપની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.