

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ પોલીસે ચોરખાનામાંથી રૂ. 37.98 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો: આઇશર ટ્રક પલટી મારી ચાલક ફરાર, કુલ રૂ. 47.98 લાખનો મુદ્દામાલ જપ્ત
કાલોલ (પંચમહાલ):
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી પોલીસે બાતમીના આધારે આઇશર ટ્રકમાં બનાવેલ ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે રૂ. ૩૭.૯૮ લાખની કિંમતની ૨,૮૪૪ બોટલ દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ. ૪૭,૯૮,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુપ્ત ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સુ.શ્રી વિધી ચૌધરી તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા અપાયેલી સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક (કાલોલ વિભાગ) શ્રી વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફ દિલ્હી-મુંબઈ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન પો.ઇન્સ. આર.ડી. ભરવાડને બાતમી મળી હતી કે, મરૂન કલરના આઇશર ટ્રક (નંબર: GJ-24-X-7055) નો ચાલક કેરિયરના ઉપરના ભાગે ગુપ્ત ચોરખાનું બનાવી ગોધરા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહ્યો છે.
પોલીસને જોઈ ચાલકે ટ્રક પલટી મરાવી અને ભાગી છૂટ્યો
બાતમીના આધારે પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન શંકાસ્પદ આઇશર ટ્રક આવતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે, ચાલકે વાહન રોકવાને બદલે પૂરઝડપે હંકારી દીધું હતું અને આગળ જઈ ટ્રક પલટી ખવડાવી દીધી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નજીકની ઝાડી-ઝાંખરામાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
કુલ રૂ. ૪૭.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે પલટી ગયેલા આઇશર ટ્રકની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૨૩૭ પેટીઓ મળી આવી હતી, જેમાં ૭૫૦ એમ.એલ.ની કુલ ૨,૮૪૪ બોટલો હતી. પોલીસે:
* વિદેશી દારૂની ૨,૮૪૪ બોટલો: કિંમત રૂ. ૩૭,૯૮,૦૦૦/-
* આઇશર ટ્રક: કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-
* કુલ મુદ્દામાલ: રૂ. ૪૭,૯૮,૦૦૦/- કબજે કર્યો છે.
આ મામલે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ સહિત આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: ફેઝાન કઠીયા, કા
લોલ (પંચમહાલ)