જંબુસર: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ આગામી શુક્રવાર, ૨૫ જુલાઈ, ૨૦૨૫ થી થવા જઈ રહ્યો છે, જેને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના “મીની સોમનાથ” તરીકે ખ્યાતિ પામેલા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
શ્રાવણ માસનું મહત્વ
શ્રાવણ સુદ એકમથી શ્રાવણ માસ અને શિવ પાર્થેશ્વર પૂજાનો પ્રારંભ થાય છે. આ માસ દરમિયાન ભક્તો ભોળાનાથને રીઝવવા માટે બિલિપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યોથી પૂજા-પાઠ કરે છે અને એકટાણા ઉપવાસ રાખી ધન્યતા અનુભવે છે. એવી માન્યતા છે કે આ પવિત્ર માસમાં શિવભક્તિ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિરની વિશેષતા
કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર મહીસાગર સંગમ તીર્થ જેવી પાવનભૂમિ પર આવેલું છે. આ શિવલિંગ ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત કરાયું હોવાનું મનાય છે. એવી પ્રચલિત માન્યતા છે કે સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્ય આધી, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે અને સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ મંદિર તેની અદ્ભુત વિશેષતા માટે પણ જાણીતું છે, જ્યાં દરરોજ દિવસમાં બે વાર સમુદ્રના ઉંચા ભરતીના પાણીમાં શિવલિંગ સંપૂર્ણપણે ડૂબી જાય છે અને ઓટ આવતા ફરી પ્રગટ થાય છે. આ દ્રશ્ય ભક્તો માટે એક અનોખો અને અલૌકિક અનુભવ હોય છે.
શ્રાવણ માસ માટે તૈયારીઓ
સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રના અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તોને સરળતાથી દર્શન-પૂજનનો લાભ મળે તે માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રાવણ માસમાં અહીં ભક્તોનું કીડિયારું ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
બાઈટ: આશા અગરવાલ, સુરત અને
બાઈટ. કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ.
રીપોર્ટ. દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર