

*આહવા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન યોજાયું :*
–
*ડાંગ જિલ્લામાં ડેરી ઉદ્યોગ હવે માત્ર વ્યવસાય નહીં પણ આર્થિક પરિવર્તનનું મુખ્ય સાધન બન્યું છે* – શ્રી વિજયભાઇ પટેલ
–
*ડાંગ જિલ્લામાં શ્વેતક્રાંતિની ગુંજ: પશુપાલકોએ વાર્ષિક રૂ. ૮૮ કરોડથી વધુની આવક મેળવી*
–
ઝાકિર ઝંકાર આહવા: તાં: ૨૨
ડાંગ જિલ્લાના આદિવાસી સાંસ્કૃતિક ભવન, આહવા ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું. પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના પશુપાલકોને પશુઓની માવજત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ડાંગ જિલ્લો હવે પશુપાલન ક્ષેત્રે મક્કમ ડગલે આગળ વધી રહ્યો છે. પશુપાલન માત્ર વ્યવસાય નથી, પરંતુ તે જિલ્લાના આર્થિક પરિવર્તનનો મુખ્ય સ્ત્રોત બન્યો છે. છેલ્લા એક વર્ષમાં (૨૦૨૪-૨૫) જિલ્લામાં કુલ ૨.૨૦ કરોડ લીટર દૂધનું સંપાદન થયું છે, જેના થકી પશુપાલકોના ઘરે રૂ. ૮૮.૧૦ કરોડ જેટલી માતબર રકમ દૂધની આવક સ્વરૂપે પહોંચી છે.”
જિલ્લામાં ડેરી ઉદ્યોગના વિકાસમાં મહિલાઓનો સિંહફાળો છે. ડાંગમાં હાલ કુલ ૧૯૪ મહિલા સંચાલિત દૂધ મંડળીઓ કાર્યરત છે, જેમાં વઘઈ તાલુકામાં ૭૨, સુબીર તાલુકામાં ૬૩ અને આહવા તાલુકામાં ૫૯ મંડળીઓનો સમાવેશ થાય છે. આ મંડળીઓ દ્વારા દૈનિક ૭૦,૦૦૦ લીટર દૂધ એકત્રિત કરી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું.
ડાંગ જિલ્લા પંચાયત પશુપાલન શાખાની વધુ વિગતો આપતાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, ‘ન્યુ ગુજરાત પેટર્ન’ આદિજાતિ લાભાર્થીઓને દુધાળા પશુ ખરીદી અંતર્ગત ૧૮૫ લાભાર્થીઓને રૂ. ૮૭.૮૮ લાખની સહાય DBT દ્વારા ચુકવવામાં આવી. વિધ્યુત ચાફકટર સહાય યોજના અંતર્ગત કુલ ૨૧ લાભાર્થીઓને રૂ. ૩.૭૮ લાખના મંજુરી હુકમ અપાયા છે. વિધવા, દિવ્યાંગ અને સામાન્ય પશુપાલકો બકરા એકમ સ્થાપવા માટે કુલ ૨૯ લાભાર્થીઓને કુલ રૂ. ૧૭.૪૦ લાખની સહાય અપાઈ. તેમજ પશુ સારવાર માટે જિલ્લામાં ૧૦ ગામ દીઠ એક એવા ૬ ફરતા દવાખાના કાર્યરત છે, જે ‘૧૯૬૨’ ટોલ ફ્રી નંબર પર વિનામૂલ્યે સેવા આપે છે. અને ખાણ-દાણ સહાય માટે ૧૪૯૬ લાભાર્થીઓને રૂ. ૫૯.૪૭ લાખના ખર્ચે પશુ આહારનું વિતરણ કરવામાં આવનાર છે. તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું.
શ્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, ચાલુ વર્ષ માટે સરકાર દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન આદિજાતિ/પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓમાં કુલ રૂ. ૩.૦૭ કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે. આ શિબિરમાં શ્રેષ્ઠ પશુપાલકોએ પોતાના અનુભવો રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ પશુચિકિત્સા અધિકારીઓ દ્વારા પશુઓની માવજત અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, ખેતીવાડી ચેરમેન શ્રી હરેશભાઇ બચ્છાવ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઇન અને નાયબ પશુપાલન નિયામક શ્રી હર્ષદભાઇ ઠાકરે સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
–