
*રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આહવામાં દિકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો*
ઝાકિર ઝંકાર | આહવા
તા. ૨૯
રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, આહવા–ડાંગ દ્વારા તા. ૨૪ જાન્યુઆરીના રોજ જનરલ સિવિલ હોસ્પિટલ, આહવા ખાતે *બેટી બચાવો બેટી પઢાવો યોજના* હેઠળ દિકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી સારૂબેન વળવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષાબેન મુલતાનીએ રાષ્ટ્રીય બાલિકા દિવસનું મહત્વ, દિકરીઓના અધિકારો, લિંગ સમાનતા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે દિકરીઓના શિક્ષણ અને આરોગ્યને સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
આ પ્રસંગે ચેરમેન શ્રીમતી સારૂબેન વળવીએ દિકરીઓના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો હતો તથા દિકરીઓ પ્રત્યેના ભેદભાવ અને સામાજિક દુષણો અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત દર્શાવી હતી.
કાર્યક્રમના અંતે ચેરમેન શ્રીમતી સારૂબેન વળવીના હસ્તે *દિકરી વધામણા કિટનું વિતરણ* કરવામાં આવ્યું હતું, જેના દ્વારા દિકરીઓના કલ્યાણ અંગે સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો.