

*આહવાની આ હવા*
–
*ડાંગ જિલ્લાના ઐતિહાસિક “ડાંગ દરબાર” મેળાને સાંપડી રહ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ*
–
*ભાતિગળ ‘ડાંગ દરબાર’ ના લોકમેળામાં ઉમટી રહ્યો છે માનવ મહેરામણ:*
–
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર :આહવા: તા: ૨૮
ડાંગ જિલ્લાની આન, બાન અને શાન એવા પરંપરાગત ‘ડાંગ દરબાર’ના ભાતિગળ લોકમેળામાં આ વર્ષે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન અને સુચારુ વહીવટી વ્યવસ્થાપનને કારણે આ ઐતિહાસિક લોકમેળો મુલાકાતીઓ માટે અત્યંત ખાસ અને યાદગાર બની રહ્યો છે.
આહવા ખાતે યોજાઈ રહેલા આ મેળામાં માત્ર ડાંગ જ નહીં, પરંતુ પાડોશી જિલ્લાઓ નવસારી, તાપી, વલસાડ તેમજ સરહદી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ હજારોની સંખ્યામાં મેળાર્થીઓ મેળે મ્હાલવા ઉમટી રહ્યા છે. ડાંગની પ્રકૃતિ અને સંસ્કૃતિને માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ સાથે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
મેળામાં આવતા દરેક નાગરિકની સુરક્ષા અને સુવિધા જિલ્લા વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. મુલાકાતીઓ માટે પીવાનું પાણી, પાર્કિંગ, સિનિટેશન વ્યવસ્થા રોજેરોજ સાફ સફાઈ, ટ્રાફિક નિયમન અને આરોગ્ય જેવી પાયાની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી સર્વેલન્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. મેળામાં સ્થાનિક ખરીદીની વ્યાપક તક પૂરી પાડવા માટે તંત્ર દ્વારા ૯૫૦ થી વધુ નાના-મોટા વેપારીઓને પ્લોટની ફાળવણી, તેમજ સ્ત્રી મહિલાઓને આર્થિક રીતના પગભર કરવાં ૪૫ જેટલાં પ્રાકૃતિક પેદાશના સખી મંડળના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. જ્યાં લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.
આ ઉપરાંત બાળકો અને મોટેરાઓ માટે અદ્યતન મનોરંજક રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ સાથે જ લોકોના મનોરંજન માટે ‘રંગ ઉપવન’ ખાતે રાત્રિના સમયે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી છે. જેમાં ડાંગની કલા અને પરંપરાની ઝલક જોવા મળે છે. મોટી સંખ્યામાં કલાપ્રેમી જનતા આ સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળી ડાંગના વારસાનો અનહદ આનંદ માણી રહી છે.
–