

મિશન કર્મયોગી થકી નાગરિકલક્ષી, સંવેદનશીલ અને કાર્યક્ષમ શાસન તરફ નર્મદા જિલ્લાનું વધુ એક મક્કમ પગલું
વર્ગ-3ના 34 કર્મયોગીઓની ત્રિ-દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ • છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ સમયસર પહોંચે તેવા અભિગમ પર ભાર
સરકારશ્રીના ‘મિશન કર્મયોગી’ અભિયાનના ઉદ્દેશોને વધુ અસરકારક રીતે સાકાર કરવા અને સરકારી સેવાઓને વધુ નાગરિકકેન્દ્રિત, પારદર્શક તથા પરિણામલક્ષી બનાવવા માટે નર્મદા જિલ્લામાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ માટે ત્રિ-દિવસીય ક્ષમતા નિર્માણ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાંદોદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી આ તાલીમમાં જિલ્લા કક્ષાની વિવિધ વિભાગોની કચેરીઓના 34 કર્મયોગીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
રાજ્ય સરકારનું મિશન કર્મયોગી માત્ર પ્રશાસકીય તાલીમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દરેક સરકારી કર્મચારીમાં સેવાભાવ, જવાબદારી, સંવેદનશીલતા અને નાગરિકલક્ષી અભિગમ વિકસાવવાનો વ્યાપક હેતુ ધરાવે છે. SPIPA દ્વારા તૈયાર કરાયેલા વિશેષ તાલીમ મોડ્યુલના આધારે માસ્ટર ટ્રેનર્સે વિવિધ વિષયો પર પ્રાયોગિક અને સંવાદાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમ દરમિયાન કર્મચારીઓને સાચા અર્થમાં કર્મયોગીની ભૂમિકા, વ્યક્તિત્વ વિકાસ, અસરકારક સંવાદ કૌશલ્ય, કચેરીમાં આવતા નાગરિકો અને લાભાર્થીઓ સાથે સૌજન્યપૂર્ણ અને સંવેદનશીલ વ્યવહાર, અધિકારીઓ તથા સહકર્મચારીઓ સાથે ટીમભાવનાથી કાર્ય કરવાની પદ્ધતિ, સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવાની રીતો તેમજ સરળ અને વિવાદમુક્ત વહીવટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ લોકો સુધી સરળતાથી, ઝડપથી અને અસરકારક રીતે પહોંચે તે માટે અપનાવવાના કાર્યઅભિગમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, જૂથ ચર્ચા, વિવિધ પ્રવૃત્તિઓ અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા કર્મચારીઓને અસરકારક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રશિક્ષણ માત્ર સરકારી કામગીરી પૂરતું જ સીમિત ન રહી કર્મચારીઓના વ્યક્તિગત, સામાજિક અને પારિવારિક જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવા, આત્મવિશ્વાસ વધારવા અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવવા જેવા મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પશુપાલન વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડૉ. એન. એમ. ગોસાઈ તથા કન્યા વિનય મંદિર, રાજપીપળાના શિક્ષિકા શ્રીમતી ભૂમિકાબેન માલીએ માસ્ટર ટ્રેનર તરીકે સેવાભાવ, કાર્યનિષ્ઠા, સંવાદ કૌશલ્ય અને નાગરિકલક્ષી વહીવટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
નર્મદા જિલ્લામાં યોજાયેલો આ ક્ષમતા નિર્માણ પ્રશિક્ષણ કાર્યક્રમ રાજ્ય સરકારના મિશન કર્મયોગીના ઉદ્દેશોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ તાલીમથી સરકારી કર્મચારીઓની કાર્યક્ષમતા, જવાબદારી અને સેવા અભિગમમાં વધારો થવાની સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી વધુ સરળતા, ઝડપ અને પારદર્શિતા સાથે પહોંચશે, જેના પરિણામે જનકેન્દ્રિત અને સુશાસન આધારિત વહીવટને વધુ બળ મળશે.
રિપોર્ટ…. ભાઇલાલભાઈ બારીયા